કોંગ્રેસના મોટા નેતા નવાજૂની કરવાની તૈયારીમાં? પહેલા PM મોદીના વખાણ, હવે રાહુલ ગાંધી સમક્ષ કરી ફરિયાદ
Shashi Tharoor and Congress Clash: શશિ થરૂરને સમજવું મુશ્કેલ બની રહ્યું છે. ક્યારેક તે પીએમ મોદીના વખાણ કરે છે તો ક્યારેક ટીકા. ક્યારેક તેઓ કોંગ્રેસ માટે પ્રેમ વરસાવે છે તો ક્યારેક નારાજગી દર્શાવે છે. પીએમ મોદીના વખાણ કર્યા બાદ શશિ થરૂરે હવે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. એવું લાગે છે કે કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે કોઈ તાલમેલ નથી. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની સાથે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ નરમ વલણ અપનાવવા તૈયાર નથી.
થરૂરના વલણથી એવું લાગે છે કે તેઓ કોઈ મોટો ધડાકો કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસે પોતાની પાર્ટીના સાંસદ શશિ થરૂર પ્રત્યેના પોતાના વલણમાં કોઈ સુગમતા દર્શાવી નથી. થરૂર સાથેની વાતચીત છતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની કોઈ ફરિયાદ કે સૂચનોનો જવાબ આપ્યો ન હતો.
પીએમ મોદીના વખાણ કરી ચૂકયા છે
તાજેતરમાં પીએમ મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. એવામાં શશિ થરૂરે પીએમ મોદીની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત જેવા મુદ્દાઓ પર પાર્ટીના વલણથી અલગ અભિપ્રાય આપ્યો હતો. જેના કારણથી કોંગ્રેસ હાઈકમાન્ડ શશિ થરૂરથી નારાજ છે. એટલું જ નહીં, તાજેતરમાં જ શશિ થરૂરે એક લેખમાં એલડીએફ સરકાર હેઠળના ઔદ્યોગિક વિકાસના વખાણ કર્યા હતા, જેણે કેરળમાં પાર્ટીની અંદર ખળભળાટ મચી ગયો હતો.
કોંગ્રેસ હવે થરૂર પ્રત્યે નરમ વલણ અપનાવવા તૈયાર નથી
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હવે થરૂર પ્રત્યે નરમ વલણ અપનાવવા તૈયાર નથી. શશિ થરૂરે રાહુલ ગાંધીને પાર્ટીમાં પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા કહ્યું હતું. થોડા દિવસો પહેલા દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન થરૂરે પાર્ટીમાં અવગણના થવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ આ અંગે કોઈ નક્કર પ્રતિબદ્ધતા નથી આપી, જેના કારણે થરૂર વધુ અસંતુષ્ટ થઈ ગયા.
થરૂરને એવું લાગે છે પાર્ટીમાં યોગ્ય સન્માન નથી મળતું
માહિતી એ પણ સામે આવી છે કે થરૂર એવું માને છે કે તેમને પાર્ટીમાં યોગ્ય સન્માન નથી મળતું હોવાથી તેમણે પાર્ટી લાઈન છોડવાનું મન બનાવી લીધું છે. રાહુલ ગાંધી સાથેની તેમની મુલાકાત દરમિયાન થરૂરે પોતાનો અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો કે તેમને 'ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસ'ના પદ પરથી હટાવવામાં આવ્યા હતા, જે તેમણે પોતે રચી હતી.
થરૂર એ વાતથી પણ નારાજ છે કે રાહુલ ગાંધી દ્વારા વાતચીતમાં કોઈ નક્કર ખાતરી આપવામાં આવી નથી. જોકે થરૂરે કોંગ્રેસની યુવા વિંગની જવાબદારી લેવાનો સંકેત આપ્યો હતો, પરંતુ રાહુલ ગાંધી આ પ્રસ્તાવ સ્વીકારવા પણ તૈયાર ન હતા.