શરિયા કાયદો પછાત, સેક્યુલર લોમાં વિશ્વાસ : સુપ્રીમમાં મુસ્લિમ મહિલા
મુસ્લિમ પરિવારમાં જન્મ પણ ઇસ્લામ નથી પાળતી : મહિલા
સંપત્તિમાં અધિકાર માટે મુસ્લિમ પર્સનલ લોમાં ના માનતા લોકોને સેક્યુલર કાયદાની છૂટ આપવા માગ
કેરળની એક મુસ્લિમ મહિલાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી આ જવાબ માગ્યો હતો. આ મહિલાએ દાવો કર્યો હતો કે તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો છે પરંતુ તે ઇસ્લામ ધર્મનું પાલન નથી કરતી. માટે તેને સંપત્તિમાં હક મામલે દેશના બિનસાંપ્રદાયિક કાયદાનું પાલન કરવાની કે તે મુજબ સંપત્તિમાં માગણીનો અધિકાર આપવામાં આવે. મહિલાએ માગ કરી હતી કે તેને બંધારણના આર્ટિકલ ૨૫ મુજબ ધર્મનો અધિકાર મળે સાથે જ ધર્મ પર વિશ્વાસ ના કરવાનો પણ અધિકાર મળે. જે લોકો મુસ્લિમ પર્સનલ લો સ્વીકારવા તૈયાર ના હોય તેને વારસા સંપત્તિ મામલે બિનસાંપ્રદાયિક કાયદા હેઠળ આ અધિકાર આપવામાં આવે.
કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમમાં હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અરજદારે રસપ્રદ સવાલ ઉઠાવ્યો છે. અરજદાર મહિલાનો જન્મ ઇસ્લામમાં થયો છે. તે કહે છે કે તેને ઇસ્લામના શરીયત કાયદામાં વિશ્વાસ નથી કેમ કે તે કાયદો પ્રગતિશિલ નથી. આ મુદ્દે જવાબ દાખલ કરવા માટે કેન્દ્ર સરકારે ત્રણ સપ્તાહનો સમય માગ્યો હતો જેને સુપ્રીમે માન્ય રાખ્યો હતો. દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા છે, ઉત્તરાખંડમાં તેનો અમલ શરૂ કરી દેવાયો છે. યુસીસી દરેક ધર્મના લોકો માટે એક સમાન કાયદો માનવામાં આવે છે. એવામાં સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ મહિલાની આ અરજી પર સુનાવણી થઇ હતી.