Get The App

શરદ યાદવ : સમાજવાદના તેવા સૈનિક જેમણે ધુરંધરો વચ્ચે પોતાનું કદ વધાર્યું

Updated: Jan 13th, 2023


Google NewsGoogle News
શરદ યાદવ : સમાજવાદના તેવા સૈનિક જેમણે ધુરંધરો વચ્ચે પોતાનું કદ વધાર્યું 1 - image


- મહાન સમાજવાદીનું સ્વર્ગારોહણ

- શરદ યાદવ સાત વખત લોકસભાના સાંસદ બન્યા ત્રણ વખત તેઓ રાજ્યસભાના સાંસદ પદે ચૂંટાયા

નવી દિલ્હી : સમાજવાદના પ્રખર પ્રવક્તા અને જદ (યુ)ના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું ગુરૂવારે રાત્રે ગુરગાંવની હોસ્પિટલમાં નિધન થયું છે. શરદ યાદવ ૧૯૭૦ના દશકમાં કોંગ્રેસ વિરોધી જાગેલા વંટોળને લીધે રાજકારણમાં આવ્યા અને દશકો સુધી મુખ્ય વિપક્ષી ચહેરા તરીકે રહ્યા. તેઓ લોકદળ અને જનતા પાર્ટી દ્વારા આગળ આવ્યા હતા. જયપ્રકાશ નારાયણ, ચૌધરી ચરણસિંહ, રાજીવ ગાંધી અને અટલબિહારી વાજપેયીની સાથે સંપર્કમાં રહી રાજકારણની લાંબી યાત્રા શરૂ કરી હતી.

તેઓ સાત વખત લોકસભાના સાંસદપદે ચૂંટાયા, ત્રણ વખત રાજ્યસભાના પણ સાંસદ રહ્યા તે દરમિયાન વી.પી. સિંહની સરકારથી શરૂ કરી અટલબિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રીપદે રહ્યા હતા. તેઓના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક પ્રદર્શિત કર્યો હતો.

૧૯૮૯/૯૦માં તેઓ ખાદ્ય તથા ટેક્ષ્ટાઇલ મંત્રી પદે હતા. ૧૩ ઓક્ટોબર ૧૯૯૯માં તેઓને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો કાર્યભાર સોંપાયો હતો, ૨૦૦૧માં કેન્દ્રીય શ્રમમંત્રી બન્યા, કેબિનેટમાં પણ લેવાયા. ૧ જુલાઈ ૨૦૦૨થી ૧૫ મે ૨૦૦૪ સુધી તેઓએ કેન્દ્રીય ઉપભોક્તા બાબતના મંત્રીપદે રહ્યા. તેમજ ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી પણ રહ્યા.

તેઓ પૂર્વ પી.એમ. ચૌધરી ચરણસિંહના નિકટવર્તી મનાતા હતા, દેવગૌડાના નેતૃત્વમાં જનતાદળ (એસ) રચાતા તેઓએ જનતાદળ (યુ)ની સ્થાપના કરી.

શરદ યાદવ ડો. રામમનોહર લોહિયાના સમાજવાદી વિચારોથી પ્રભાવિત હતા તેમણે અનેક રાજનૈતિક આંદોલનોમાં ભાગ લીધો હતો. ઇમરજન્સી દરમિયાન તેઓને ૧૯૬૯-'૭૦, ૧૯૭૨ અને ૧૯૭૫માં કારાવાસ ભોગવવો પડયો હતો. તેઓ ઓ.બી.સી. રાજકારણમાં અગ્રણી હતા અને મંડલ કમિશનમાં તેઓનાં અનેક મહત્ત્વના સૂચનો સ્વીકારવામાં આવ્યા હતા.

તેઓની રાજકીય યાત્રા પણ અદ્ભુત રહી હતી. ૧૯૭૮માં યુવા લોકદળના અધ્યક્ષ બન્યા, ૧૯૮૧માં તેઓ ઉ.પ્ર.માં ચૌધરી ચરણસિંહના સંપર્કમાં આવ્યા, ૧૯૮૧માં તેઓ રાજીવ ગાંધી સામે અમેઠીની પેટા ચૂંટણીમાં પરાજિત થયા છતાં હિંમત હાર્યા નહી.

૧૯૯૨માં મુલાયમસિંહે જનતાદળ સાથે સંબંધ તોડી સમાજવાદી પાર્ટી પુનર્જિવિત કરતા તેમાં જોડાયા. દરમિયાન જનતાદળના છએ છ પક્ષો છૂટા પડી ગયા. દરમિયાન ૧૯૯૪માં જ્યોર્જ ફર્નાન્ડિઝ અને નીતિશકુમારે સમતા પાર્ટી રચી તે શરદ યાદવના નેતૃત્વ નીચેની જેડીયુમાં વિલિન થઈ ગઈ. વળી તેમાં મતભેદો થયા. ૨૦૧૮માં શરદ યાદવે વિપ્લવ પોકારી લોકતાંત્રિક જનતાદળની સ્થાપના કરી પરંતુ અતિ શ્રમને લીધે તેમનું સ્વાસ્થ્ય કથળી ગયું. સક્રિય રાજકારણથી અલગ થઈ ૨૦૨૩માં તેઓનું જાન્યુઆરીની ૧૨મીએ નિધન થઈ ગયું. ભારતે એક વિદ્વાન રાજકારણી ગુમાવ્યો તેઓ ખરા અર્થમાં એક બહુશ્રુત વિદ્વાન હતા વિદ્યા પ્રેમ અતૂટ રહ્યો હતો.


Google NewsGoogle News