'પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે...' પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા
Sharad Pawar On Pahalgam Terror Attack: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પાકિસ્તાન વિરૂદ્ધ થઈ રહેલી કાર્યવાહીઓ પર સાવચેતી રાખવા સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારની આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાન ચુપ નહીં બેસે. સિંધુદુર્ગમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં પવારે કહ્યું કે, આજે આપણે જે પણ નિર્ણય લઈ રહ્યા છીએ, તેનો પાકિસ્તાન ભવિષ્યમાં જવાબ આપશે. મને નથી લાગતું કે, પાકિસ્તાન શાંત બેસશે.
પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી
કાશ્મીરના પર્યટન સ્થળ પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત થયા હતા. આ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સિંધુ જળ સંધિ પર રોક, રાજકીય સંબંધોમાં ઘટાડો અને પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવા સામેલ છે. વધુમાં બંને દેશો વચ્ચે એકમાત્ર જમીની સરહદ માર્ગ વાઘા-અટારી બોર્ડર પણ બંધ કરી છે. ભારતમાં પાકિસ્તાન રાજદ્વારીઓની સંખ્યા 55થી ઘટાડી 30 કરી છે. સામે પાકિસ્તાને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે ભારત સાથે તમામ દ્વિપક્ષીય વેપાર સંબંધો સમાપ્ત કર્યા છે. ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કર્યું છે. શિમલા કરાર સ્થગિત કરવાની ધમકી આપી છે.
હવાઈ મુસાફરી મોંઘી બનશેઃ પવાર
પવારે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર પર પ્રકાશ પાડતાં કહ્યું કે, યુરોપ જનારી તમામ ફ્લાઈટ્સ પાકિસ્તાન થઈને જાય છે. જો આ હવાઈ રૂટ બંધ કરવામાં આવ્યો તો હવાઈ યાત્રા મોંઘી બનશે. નિષ્ણાતો અનુસાર, પાકિસ્તાનનો હવાઈ રૂટ બંધ થતાં પશ્ચિમ એશિયા, કોક્સ રિજન, યુરોપ, બ્રિટન અને ઉત્તર અમેરિકા જતી તમામ ફ્લાઈટ પર અસર થશે. ફ્લાઈટનો સમય અને ઈંધણનો ખર્ચ વધશે. જેથી વિમાન ભાડું મોંઘુ થશે. પવારે 2019માં પુલવામા હુમલા બાદની સ્થિતિને યાદ કરતાં કહ્યું કે, જ્યારે પાકિસ્તાને ચાર મહિના સુધી પોતાનુ હવાઈ ક્ષેત્ર બંધ રાખ્યું હતું ત્યારે ભારતીય એરલાઈન્સને આશરે રૂ. 700 કરોડનું નુકસાન થયુ હતું.
આ પણ વાંચોઃ 'જો ભારત પાણી રોકશે તો અમે...', ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી
સુરક્ષામાં ભારે ચૂક
આતંકવાદી હુમલા અંગે પવારે કેન્દ્ર સરકારની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. સરકાર કહે છે કે, કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો છે. પરંતુ આ ઘટના સાક્ષી બની છે કે, સુરક્ષામાં ભારે ચૂક થઈ છે. વધુમાં આપણે સત્ય પણ જાણતા નથી કે, પહલગામના આતંકવાદીઓએ પર્યટકોની હત્યા કરતાં પહેલાં તેમનો ધર્મ પૂછ્યો હતો કે નહીં. મહિલાઓને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ પુરૂષોની હત્યા કરવામાં આવી.
આતંકવાદ વિરૂદ્ધ અમે સરકાર સાથે છીએ
ગઈકાલે શરદ પવારે આતંકવાદ વિરૂદ્ધ પોતે સરકાર સાથે હોવાનું નિવેદન આપ્યું હતું કે, હાલ કોઈનું પણ રાજીનામું માગવાનો સમય નથી. અમે તમામ વિપક્ષ સરકાર સાથે છીએ. સરકાર આંતકવાદ વિરૂદ્ધ જે પણ પગલાં લેશે અમે તેમની સાથે છીએ. આ મામલે અમે રાજકીય ભેદભાવ રાખીશું નહીં.