11 બળવાખોર નેતાઓને પાઠ ભણાવવા કદાવર નેતાનો 'પાવર' પ્લાન, વિપક્ષના ચાણક્યનો ચક્રવ્યૂહ તૈયાર

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
11 બળવાખોર નેતાઓને પાઠ ભણાવવા કદાવર નેતાનો 'પાવર' પ્લાન, વિપક્ષના ચાણક્યનો ચક્રવ્યૂહ તૈયાર 1 - image

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે કદાવર નેતા શરદ પવાર ચૂંટણીમાં 11 બળવાખોર નેતાઓને પાઠ ભણાવવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. હાલ શરદ પવાર મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણી અને ચૂંટણી પ્રચાર પર તો ધ્યાન કેન્દ્રીત કરી જ રહ્યા છે. આ ઉપરાંત ચાણક્ય પવારના સૌથી મહત્વના ટાર્ગેટ તે નેતાઓ છે, જેમણે વર્ષ 2023માં પાર્ટીમાં બળવાખોરી કરી હતી. 83 વર્ષિય પવારે 11 બળવાખોર નેતાઓને ચૂંટણી મેદાનમાંથી બહાર ફેંકવા માટે ત્રણ યોજના ઘડી કાઢી છે. તેમના નજીકનાઓનું કહેવું છે કે, મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં NCPSPએ 48 બેઠકોમાંથી સાત બેઠકો મેળવી છે, જેના કારણે પાર્ટીનો ઉત્સાહ વધી ગયો છે.

પવારના રડારમાં આ નેતાઓ

શરદ પવાર (Sharad Pawar)ના રડારમાં મહારાષ્ટ્ર કેબિનેટના નવ મંત્રીઓ છો, જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar), હસન મુસ્રિફ, છગન ભુજબળ (Chhagan Bhujbal), ધનંજય મુંડે, આદિતિ તટકરે, દિલીપ વલ્સે પાટિલ, ડી.બી.આત્મારાવ, સંજય બનસોડે અને અનિલ પાટીલ ઉપરાંત નાયબ અધ્યક્ષ નરહરિ જિરવાલ અને પૂર્વ મંત્રી નવાબ મલિકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ‘હું અહીં નોકરી કરવા નથી આવ્યો, પ્રતિષ્ઠા તો મને મઠમાં પણ મળે છે’ જાણો યોગીએ આવું કેમ કહ્યું

2023માં 11 નેતાઓએ એનસીપીમાં કર્યો હતો બળવો

આ નેતાઓએ એક થઈને વર્ષ 2023માં નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)માં બળવો કર્યો હતો. આ દરમિયાન શરૂઆતમાં પવાર ચૂપ રહ્યા હતા, પરંતુ જ્યારે આ નેતાઓએ પાર્ટી પર દાવો ઠોક્યો તો પવાર સક્રિય થઈ ગયા અને હવે આ 11 નેતાઓને પાઠ ભણાવવા માટેના પ્રયાસોમાં લાગી ગયા છે. આ માટે તેમણે ત્રણ માસ્ટર પ્લાન પણ બનાવ્યા છે.

1... પવાર બળવાખોરો સામે મજબૂત યુવાઓને ઉતારવાની તૈયારીમાં

આ નેતાઓને હરાવવા માટે શરદ પવારે પહેલો પ્લાન તૈયાર કર્યો છે, જેમાં યુવા ચહેરાઓ મેદાનમાં ઉતારવાની તૈયારીઓ ચાલી રહી છે. એનસીપીએસપીના સૂત્રોનું કહેવું છે કે, શરદ પવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ યુવાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી છે. પવાર એવા યુવા ચહેરાઓ શોધી રહ્યા છે, જેઓ આ બળવાખોરોને હરાવી શકે. એવા પણ અહેવાલો મળ્યા છે કે, પવારે કેટલાક નામો ફાઈનલ પણ કરી લીધા છે, જ્યારે કેટલાકની શોખ ચાલી રહી છે. શરદ પવારે તાજેતરમાં જ તાસગાંવ બેઠક પર રોહિત પાટિલ અને અકોલે બેઠક પરથી અમિત ભાંગરેને ટિકિટ આપવાની જાહેરાત કરી છે.

2... પવાર પોતે બનાવી રહ્યા છે રણનીતિ

શરદ પવાર પોતે એનસીપીના 11 નેતાઓને હરાવવાની રણનીતિ બનાવી રહ્યા છે. આ નેતાઓના લોકસભા ચૂંટણી વિસ્તારમાં પવારની રણનીતિ સફળ પણ રહી હતી. જેમ કે ડિંડોરી લોકસભા બેઠક હેઠળની યેવલા બેઠક છગન ભુજબળની અને ડિંડોરી બેઠક નરહરિ જિરવાલની છે, જ્યાં પવારે 53 વર્ષના ભાસ્કર ભાગડેને ઉતારી એનડીએને ઝટકો આપ્યો હતો. કદાવર નેતા પવારની અજિતના નેતાઓના વિસ્તારોની રણનીતિમાં વૃદ્ધો વિરુદ્ધ યુવાોને લડાવવાની છે. ધનંજય અને આદિતી સિવાય અજિતના મોટાભાગના નેતાઓ 70 વર્ષની આસપાસના છે.

3... અજિતને પણ હરાવવાની રણનીતિ

અજિત પવાર વર્ષ 1991થી બારામતી બેઠકના ધારાસભ્ય છે. આ બેઠક પર અજિત પહેલા શરદ પવાર ધારાસભ્ય હતા. 2019ની ચૂંટણીમાં અજિતે એક લાખ 65 હજાર મતોથી જીત મેળવી હતી, જોકે હવે સમિકરણો બદલાઈ ગયા છે. હવે અજિતનો મુકાબલો શરદ પવાસ સાથે છે. તાજેતરમાં જ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે (Supriya Sule)એ બારામતી બેઠક પર જીત મેળવી હતી. તેમણે અજિતની પત્ની સુનેત્રાને એક લાખ 60 હજાર મતોથી હાર આપી હતી. એવું પણ કહેવાય છે કે, આ પરિણામો બાદ શરદ પવાર હવે અજિતની સાખને તોડવાના પ્રયાસોમાં લાગી ગયા છે. અજિત વિરુદ્ધ સ્થાનીક કાર્યકર્તાને ટિકિટ આપવાની ચર્ચાઓ છે.

આ પણ વાંચો : પૂજા ખેડકરની ધરપકડની તૈયારી, આગોતરા જામીન નામંજૂર; UPSCને પણ તપાસનો આદેશ


Google NewsGoogle News