'આખું વિશ્વ બેલેટ પેપરથી ચૂંટણી કરે છે પણ આપણે...' શરદ પવારે ફરી ઈવીએમનો મુદ્દો ઉછાળ્યો
NCP Sharad Pawar On EVM: એનસીપીના સ્થાપક શરદ પવાર ઈવીએમ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોલાપુરના મર્કરવાડીમાં ઈવીએમ મત વિરૂદ્ધ ચાલી રહેલી મોક-પોલમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાંના લોકોએ બેલેટ પેપરથી મતદાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ખાતરી હતી કે, એનસીપીના ઉમેદવારને ઈવીએમ કરતાં વધુ મત મળી શકે છે. પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા હતા. અને આમ કરનારાઓની ધરપકડ કરી હતી.
અમેરિકા-બ્રિટનમાં બેલેટ પેપર વડે મતદાન
શરદ પવારે મર્કરવાડીમાં પહોંચી કહ્યું કે, ‘છેલ્લા બે-ત્રણ દિવસથી જોઈ રહ્યો છું કે, સંસદમાં મર્કરવાડીની ચર્ચા શરૂ થઈ છે. લોકો દલીલ કરી રહ્યા છે કે, દેશમાં કોઈને પણ આ અંગે જાણ થઈ નથી. પરંતુ મર્કરવાડીના લોકોને ખબર પડી ગઈ છે કે, ઈવીએમમાં ચેડાં થાય છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં બેલેટ પેપર વડે મતદાન થાય છે.’
આખી દુનિયા બેલેટનો ઉપયોગ કરે પરંતુ આપણે...
શરદ પવારે વધુમાં કહ્યું કે, ‘આખી દુનિયા બેલેટ પેપર દ્વારા મતદાન કરી રહી છે, પરંતુ આપણે શા માટે ઈવીએમનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ મતદાન પછી તમને (માર્કરવાડીના લોકોને) શંકા ગઈ અને ગામમાં ફરી મતદાન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને અટકાવી દીધો. હું ઈવીએમ પર ભાષણ આપું ત્યારે મને પણ રોકી દેવામાં આવે છે, આ કેવા પ્રકારની વાત છે? મને કંઈ સમજાતુ નથી.’
આ પણ વાંચોઃ ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષમાં તિરાડ: ઉદ્ધવ સેનાએ સમાજવાદી પાર્ટીને ગણાવી ભાજપની B ટીમ
વિપક્ષે ઈવીએમનો નિર્ણય સ્વીકારવો જોઈએ
પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ઈવીએમ વિવાદ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, ‘જ્યારે લોકસભાની ચૂંટણીમાં અમારી બેઠકો ઓછી થઈ ત્યારે અમે કહ્યું નહોતું કે ઈવીએમમાં સમસ્યા છે. આ લોકોએ ઈવીએમનો મુદ્દો છોડી દેવો જોઈએ. ચૂંટણી હાર્યા પછી આ પ્રકારની વાત ન કરવી જોઈએ. આનાથી લોકોનો વિશ્વાસ ડગમગે છે. વિપક્ષે નિર્ણય સ્વીકારવો જોઈએ.’
શરદ પવારે હાર સ્વીકારવી જોઈએઃ ભાજપ
શરદ પવારના નિવેદન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રેશ બાવનકુલેએ કહ્યું કે ‘શરદ પવારે પોતાની હાર સ્વીકારવી જોઈએ. તેમનું અભિયાન નિષ્ફળ ગયું છે. લોકોએ તેમને નકાર્યા છે. તેઓ લોકસભા ચૂંટણી જીત્યા અને અમે તે સ્વીકાર્યું હતું.. તેઓ આગામી ચૂંટણી માટે આ પ્રકારનું રાજકારણ રમી રહ્યા છે. પણ તેઓ સ્થાનિક ચૂંટણીમાં પણ હારશે.’