પરિવારમાં જ 32 સભ્યો, પણ વોટ મળ્યા શૂન્ય! EVM વિરુદ્ધ આંદોલન કરવાની તૈયારીમાં શરદ પવારનો પક્ષ
Maha Vikas Aghadi: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, એનસીપી અને ઉદ્ધવ સેનાના ગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામ આવ્યાને ત્રણ દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી મહાવિકાસ આઘાડીના નેતાઓ આ હાર સ્વીકારી શક્યા નથી. સંજય રાઉત સતત EVM પર સવાલો ઉઠાવી રહ્યા છે અને કહે છે કે ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ.
આ દરમિયાન શરદ પવારની એનસીપીના વરિષ્ઠ નેતા જીતેન્દ્ર આવ્હાડે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, 'અમે અમારી હારનું એક પણ કારણ સ્વીકારી શકતા નથી.' આટલું જ નહીં, આવ્હાડે કહ્યું કે, 'હું નથી માનતો કે લાડકી બહેન યોજનાની આટલી અસર થઈ શકે છે.'
જીતેન્દ્ર આવ્હાડે વ્યકત કરી શંકા
જીતેન્દ્ર આવ્હાડે આ અંગે વધુમાં કહ્યું કે, 'કોઈ એક કારણ બહાર નથી આવી રહ્યું. ચૂંટણી પછી કંઈ બદલાયું નથી. બેરોજગારી અને મોંઘવારી વધી છે. લાડકી બહેન યોજનાની બહુ અસર નથી. જેમ તમે જોશો, અમે ચંદ્રપુર બેઠક 2,40,000ના માર્જિનથી જીતી છે. હવે તમે જુઓ કે તે 2,40,000 વોટ તો ગયા જ ઉપરથી
1 લાખ વોટ કેવી રીતે હારી ગયા. આ ન હોઈ શકે. જીતેલા ધારાસભ્યોએ પણ કહ્યું કે સાહેબ અમે જીતી ગયા, પરંતુ ક્યાંકને ક્યાંક EVMનો મોટો મુદ્દો છે. સમગ્ર રાજ્યમાં તેની સામે આંદોલન ઊભું થઈ શકે છે. હજુ ઘણા ગામના લોકોનું કહેવું છે કે જ્યારે અમે વોટ નથી આપ્યો તો આટલા મત આવ્યા ક્યાંથી?'
આવ્હાડે કહ્યું કે, 'એક પરિવારમાં 32 લોકો છે. તે તમામ લોકોએ તેમના ઘરના ઉમેદવારને મત આપ્યો છે. તેમ છતાં તેમને શૂન્ય મત દર્શાવવામાં આવ્યા છે. આ કેવી રીતે શક્ય બને?'
સંજય રાઉતે પુનઃ ચૂંટણી કરાવવાની માંગ કરી
આ પહેલા સંજય રાઉતે માંગ ઉઠાવી હતી કે ફરીથી ચૂંટણી થવી જોઈએ અને બેલેટ પેપરથી મતદાન થવુ જોઈએ. રાઉતે કહ્યું, 'અમને EVM સંબંધિત લગભગ 450 ફરિયાદો મળી છે. વારંવાર વાંધો ઉઠાવવા છતાં આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે કેવી રીતે કહી શકીએ કે આ ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી હતી? તેથી મારી માંગ છે કે પરિણામો રદ કરવામાં આવે અને બેલેટ પેપર દ્વારા પુનઃ ચૂંટણી કરાવવામાં આવે.'
આ પણ વાંચો: શિંદેને મનાવવા પુત્રને ડેપ્યુટી CM બનાવશે ભાજપ? કેન્દ્રમાં પણ મળી શકે છે મોટું પદ
સંજય રાઉતે કહ્યું- ઉમેદવારના પરિવારમાં 65 વોટ, પરંતુ મળ્યા માત્ર 4 જ
સંજય રાઉતે કહ્યું કે નાસિકમાં એક ઉમેદવારને માત્ર ચાર મત મળ્યા હતા, જ્યારે તેમના પરિવારમાં 65 સભ્યો છે. તેમણે કહ્યું કે ડોમ્બિવલીમાં EVM કાઉન્ટમાં વિસંગતતાઓ જોવા મળી હતી અને ચૂંટણી અધિકારીઓએ વાંધાઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
શિવસેના યુબીટી નેતાએ કેટલાક ઉમેદવારોની જંગી જીતની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું, 'તેઓએ એવું કયું ક્રાંતિકારી કામ કર્યું કે તેમને 1.5 લાખથી વધુ મત મળ્યા? તાજેતરમાં જ પક્ષ બદલનારા નેતાઓ પણ ધારાસભ્ય બન્યા છે. જેના કારણે શંકાઓ વધી રહી છે. પહેલીવાર શરદ પવારે ઈવીએમ પર શંકા વ્યક્ત કરી છે જેને અવગણી શકાય તેમ નથી.