શરદ અને અજિત પવાર વચ્ચે બંધબારણે બેઠકથી ભાજપ મૂંઝાયો, શું મહારાષ્ટ્રમાં નવા-જૂની થશે?
Sharad Pawar and Ajit Pawar Meeting | એક દિવસ પહેલા શિવસેનાના સ્થાપક બાલ ઠાકરેની જન્મજયંતિ હતી. બાળ ઠાકરેની જન્મજયંતિ પર બંને જૂથો શિવસેના (શિંદે) અને શિવસેના (યુબીટી) એ પોત-પોતાની તાકાત બતાવવા મુંબઈમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું. જ્યારે શાસક મહાયુતિ અને વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) ના બે ઘટકો મુંબઈમાં બાલ ઠાકરેના વારસા પર પોતાનો દાવો મજબૂત કરવામાં વ્યસ્ત હતા. એ જ દિવસે, મુંબઈથી દૂર પુણેમાં બંને ગઠબંધનમાંના ટોચના એક-એક નેતા સાથે બેઠા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP) ના વડા શરદ પવાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવાર ગુરુવારે પુણેમાં મુલાકાત કરી હતી.
બંધ બારણે યોજાઈ હતી બેઠક
શરદ પવાર અને અજિત પવાર વચ્ચેની આ મુલાકાત બંધ બારણે યોજાઈ હતી. વસંત દાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ (VSI) ની વાર્ષિક સામાન્ય સભા પછી બંને નેતાઓની મુલાકાત દરમિયાન ધારાસભ્ય દિલીપ વાલસે પાટિલ સહિત ઘણા નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. તાજેતરમાં બીએમસીની ચૂંટણી નજીક છે અને અજિત પવારની માતાએ પણ બંને પક્ષોના એકીકરણની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે શિવસેના (શિંદે) ના નેતાઓએ બાળ ઠાકરેની જન્મજયંતિ પર મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવશે એવો દાવો કર્યો હતો. આ બધા સંજોગોમાં NCP (SP) અને NCP ના વડાઓની આ બેઠક અંગે અટકળોનો દોર શરૂ થયો.
અજિત પવારે શું કહ્યું આ બેઠક વિશે?
અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શરદ પવાર સાથેની બંધ બારણે થયેલી બેઠક અંગે કહ્યું છે કે ખાંડ ઉદ્યોગને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ખાંડ ઉદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલા કૃષિ, આબકારી, સહકાર અને ઉર્જા વિભાગના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. તે જ સમયે, NCP (SP) ના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું છે કે બંને કદાવર નેતાઓ વાતચીત માટે એકસાથે આવી રહ્યા છે તેનું સ્વાગત કરવું જોઈએ. આ બેઠક અંગે ભાજપની પ્રતિક્રિયા પણ આવી છે.
ભાજપ આ બેઠકથી મુંઝાયો!
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ અને રાજ્ય સરકારમાં મંત્રી ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે અમને ખબર નથી કે આ ચર્ચા રાજકીય હતી કે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જો આ રાજકીય ચર્ચા હોત તો અજિત દાદાએ મહાયુતિમાં પણ તેના વિશે વાત કરવી જોઈતી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખે એમ પણ ઉમેર્યું કે જો આ કોઈ વ્યક્તિગત મુલાકાત હતી, તો તે સંપૂર્ણપણે પારિવારિક બાબત હતી. અગાઉ, VSI ની સામાન્ય સભાને સંબોધતી વખતે, શરદ પવારે અજિત પવારના સૂચન પર બે પુરસ્કારો હેઠળની ઇનામ રકમ 10 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવાની જાહેરાત પણ કરી હતી.