'મહાયુતિની જીતથી લોકોમાં ઉત્સાહ નથી...', મહારાષ્ટ્રમાં પરાજય પર શરદ પવારનો સાથી પક્ષોને 'સંદેશ'
Maharashtra Politics: NCP (શરદ જૂથ)ના વડા શરદ પવારે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને મહાવિકાસ અઘાડીને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, 'વિપક્ષે હાર પર નિરાશ ન થવું જોઈએ પરંતુ મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની જંગી જીતથી ઉત્સાહિત ન હોય તેવા લોકો સુધી પહોંચવું જોઈએ.' નોંધનીય છે કે, શરદ પવારે હાર બાદ પોતાના સાથી નેતાઓને પ્રોત્સાહિત કર્યા છે.
મહાવિકાસ અઘાડીને સંદેશ આપતા શરદ પવારે જણાવ્યું હતું કે, 'વિપક્ષની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની રહેશે કે શાસક ગઠબંધન દ્વારા કરવામાં આવેલા તમામ ચૂંટણી વચનો શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવામાં આવે. જેમાં મહિલાઓને લાડલી બહેન યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા કરવામાં આવે.
'લોકો ખુશ નથી, મહાયુતિથી નારાજ છે'
NCP (શરદ જૂથ)ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે, 'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોને મળેલા મત અને જીતેલી બેઠકો વચ્ચેની સરખામણી આશ્ચર્યજનક છે. અમે હારી ગયા એ વાત સાચી છે. આપણે આની ચિંતા ન કરવી જોઈએ પરંતુ લોકોમાં જવું જોઈએ કારણ કે ચૂંટણી પરિણામોને લઈને લોકોમાં કોઈ ઉત્સાહ નથી ભારે રોષ છે.'
આ પણ વાંચો: ભારતને સસ્તામાં ઓઈલ નથી આપતું રશિયા, જયશંકરે કહ્યું- આનાથી સારી ડીલ હોય તો બતાવો
યુવા ધારાસભ્યો પોતાની ક્ષમતા બતાવશે
20મી નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભાજપ-એનસીપી (અજિત પવાર)-શિવસેના (શિંદે જૂથ) ગઠબંધને 288 બેઠકોમાંથી 230 બેઠકો જીતી હતી. આ અંગે શરદ પવારે જણાવ્યું હતું કે, 'વિધાનસભામાં વિપક્ષની તાકાત ઓછી છે, પરંતુ ઘણાં યુવા વિપક્ષના ધારાસભ્યો એક અથવા બે સત્રો પછી પોતાની તાકાત બતાવશે.'