મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, શરદ પવાર અને શિંદે વચ્ચે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા
Sharad Pawar Meeting with Eknath Shinde : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. એક તરફ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એકલા હાથે ચૂંટણી લડવાના નિવેદનો આપી રહ્યા છે, તો બીજીતરફ NCPSPના પ્રમુખ શરદ પવાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે મુલાકાત યોજાતા રાજકારણમાં નવા-જૂની થવાના એંધાણની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પવાર અને શિંદે વચ્ચે આ મુદ્દે થઈ ચર્ચા
મળતા અહેવાલો મુજબ શરદ પવારે આજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પવારે મુખ્યમંત્રી સાથે મરાઠા અને ઓબીસી અનામત અને દૂધ ઉત્પાદક ખેડૂતોને મળતી દૂધની કિંમતો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાના દાવા છે. જોકે બંને વચ્ચે કોઈ રાજકારણના મુદ્દે ચર્ચા થઈ હોવાની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ રાજકીય કોરિડોરમાં આ મુલાકાતને લઈને ફરી નવી ચર્ચા છંછેડાઈ છે.
આ પણ વાંચો : NDAનું ટેન્શન 'હાઈ', અજિત પવારનું મોટું એલાન, આવનારી આ ચૂંટણીમાં 'એકલા ચાલો રે'ની નીતિ
અગાઉ ભુજબળે પવાર સાથે કરી હતી મુલાકાત
ગત સપ્તાહે મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળે શરદ પવાર સાથે મુલાકાત કરી હતી, જેમાં પવારે મરાઠા અનામત મુદ્દે મધ્યસ્થતા કરવાની માંગ કરી હતી. હાલ રાજ્યમાં અનામતનો મુદ્દો ઉછળ્યા બાદ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. ભુજબળે માંગ કરી છે કે, આવી સ્થિતિમાં રાજ્યના કોઈ વરિષ્ઠ નેતાએ મધ્યસ્થતા કરવી જોઈએ. ત્યારબાદ શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ મુદ્દે પોતાનું વલણ પણ રજુ કર્યું હતું.
અજિત પવારની એકલા હાથે ચૂંટણી લડવાની તૈયારી ?
આ પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે પિંપરી ચિંચવાડમાં NCP કાર્યકર્તાઓને સંબોધતા જાહેર કરી હતી કે, મારી આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સ્થાનિક એકમોની ચૂંટણી એકલા હાથે લડવા માટે સ્વતંત્ર છે. મહાયુતિના તમામ સાથી પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અલગ અને સ્વતંત્ર રીતે લડવા માટે સ્વતંત્ર છે. અમે એકનાથ શિંદેની શિવસેના કે ભાજપને બાંધછોડ કરવા માગતા નથી. એકલા હાથે ચૂંટણી લડવાથી જ કાર્યકરો મજબૂત થશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આ વર્ષમાં અત્યાર સુધીમાં 1267 ખેડૂતોની આત્મહત્યા