શરદ પવારનો માસ્ટર સ્ટ્રોક, મતદાન પહેલાં જ 3 મોટા નેતા તોડી ભાજપ-એનસીપીનું ટેન્શન વધાર્યું
Maharashtra Election: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી હવે લગભગ છેલ્લા પડાવમાં છે. પ્રચારમાં હવે ફક્ત પાંચ દિવસનો સમય બાકી છે અને તે પહેલાં શરદ પવારે મોટો માસ્ટરસ્ટ્રોક રમી દીધો છે. શરદ પવારે પુણેની બે બેઠક પર અજીત પવારના સહયોગીને સામેલ કરી દીધા છે, તો વળી એક બેઠક પર ભાજપના મોટા નેતાને પોતાના પક્ષમાં સામેલ કરી દીધા છે. જે બેઠક પર અજીત પવાર અને ભાજપ પોતાને મજબૂત માનીને ચાલી રહ્યા હતાં, ત્યાં જ શરદ પવારે દાવ રમી નાંખ્યો. અજીત પવારના સાથી સુનીલ તટકરેના નજીકના અને પીએમસી બેન્કના પદાધિકારી પણ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.
મહાયુતિને મળશે ઝટકો?
વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં શરદ પવાર પશ્ચિમી મહારાષ્ટ્ર પર ફોકસ કરી રહ્યા છે. આ વખતે શરદ પવારનું ફોકસ બેઠક, રોડ શો અને બીજા નેતાઓને પાર્ટીમાં લાવવાનું છે. શરદ પવારે આજે પુણે અને રાયગઢમાં ઘણાં નેતાઓની પાર્ટીમાં એન્ટ્રી કરાવી હતી. જેનાથી મહાયુતિને ઝટકો મળવાની આશંકા છે. વડગાંવ શેરી મતવિસ્તારમાંથી પૂર્વ એનસીપી નગરસેવક રેખા ટિંગરે અને ચંદ્રકાંત ટિંગરેએ એનસીપી-એસપીમાં જોડાઈ ગયાં છે. આ સિવાય દિલીપ તુપે અને અનિલ તુપે પણ પાર્ટીમાં જોડાઈ ગયાં છે. આ લોકોની પુણેની હડપસર બેઠક પર અસર માનવામાં આવે છે. આ સિવાય ધનકવાડીના સમીર ધનકવાડે પણ પાર્ટીમાં સામેલ થઈ ગયાં છે.
આ પણ વાંચોઃ હવે પગભર થાઓ... શરદ પવારની તસવીરના ઉપયોગ બદલ સુપ્રીમ કોર્ટે કરી અજિત પવારની ઝાટકણી
રેખા ટિંગરે શરદ પવારની પાર્ટીમાં સામેલ
વડગાંવ શેરીથી રેખા ટિંગરે શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે. રેખા ટિંગરે 2022માં ભાજપમાં સામેલ થઈ હતી, પરંતુ ચાર મહિના પહેલાં જ તે અજીત પવારની એનસીપીમાં સામેલ થઈ ગઈ હતી. હવે ચૂંટણી પહેલાં તેઓએ એકવાર ફરી પક્ષપલટો કરી દીધો છે. વડગાંવ શેરીમાં સુનીલ ટિંગરેને હરાવવા માટે શરદ પવાર રેખા ટિંગરેને સાથે લઈને આવ્યા. બંને વચ્ચેની દુશ્મનાવટ જાણીતી છે.
દિલીપ તુપે પુણે નગર નિગમની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, તેથી તુપેનો પોતાના વિસ્તારમાં ઘણો દબદબો છે. તુપેવાડી અથવા તુપેગામના હડપસરમાં મોટો પ્રભાવ છે. આ મતવિસ્તાર ઘણો મોટો છે અને તુપેની આ વિસ્તારમાં સારી અસર છે. આ પ્રકારે શરદ પવારે આ નેતાઓને સાથે લઈને અજીત પવાર અને ભાજપના ગઠબંધનને નબળુ પાડવાનો પ્રયાસ કર્યો છે.