Get The App

શરદે 'પાવર' ગુમાવ્યો! 64 વર્ષની કારકિર્દીમાં સૌથી ખરાબ પ્રદર્શન, પાર્ટીને ફક્ત 10 જ બેઠક મળી

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
શરદે 'પાવર' ગુમાવ્યો! 64 વર્ષની કારકિર્દીમાં સૌથી ખરાબ પ્રદર્શન, પાર્ટીને ફક્ત 10 જ બેઠક મળી 1 - image


Maharashtra Election Result: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષ એનસીપી શરદ પવારને માત્ર બાર બેઠક જ મળતાં શરદ પવારને રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં ભારે મોટો ફટકો પડ્યો છે. 84 વર્ષના શરદ પવાર પોતાની 64 વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન ચાર વાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહ્યા છે તથા નરસિંહ રાવની કેન્દ્ર સરકારમાં સંરક્ષણ પ્રધાન તથા મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ પ્રધાન પણ રહ્યા છે. તેમના ભત્રીજા અજીત પવારે બળવો કરી મૂળ એનસીપી કબજે કરી આ ચૂંટણીમાં સારો દેખાવ કરતાં મહારાષ્ટ્રના રાજકારણમાં હવે કાકા શરદ પવાર કરતાં ભત્રીજા અજીત પવારનો દબદબો વધ્યો છે.

ક્યાંક તો અટકવું પડશેઃ શરદ પવાર

ત્રણ મોટાં રાજકીય પક્ષો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં 29 બેઠકો જીતવામાં પણ નિષ્ફળ રહ્યા હોવાથી રાજ્યસભામાં પણ શરદ પવાર હવે જઈ શકે તેવી શક્યતા રહી નથી. 84 વર્ષના શરદ પવારે મતદાનના એક દિવસ પૂર્વે બારામતીમાં ભાવિનો સંકેત મળી ગયો હોય તેમ જણાવ્યું હતું કે, ક્યાંક તો અટકવું પડશે. મારે હવે ચૂંટણી લડવી નથી. હું અત્યાર સુધી 14 ચૂંટણીઓ લડી ચૂક્યો છું. મારે હવે સત્તા જોઈતી નથી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં પૂર્વ CMની હાર, નવાબ મલિક હાર્યા, પુત્રી જીતી... જુઓ ચર્ચાસ્પદ બેઠકોના પરિણામ

રાજ્યસભા વિશે શું કહ્યું? 

રાજ્યસભામાં જવું કે નહીં તે બાબતે પણ હું વિચારણા કરીશ. પણ ચૂંટણીના પરિણામો જોતાં એવું લાગે છે કે પવારની રાજ્યસભામાં જવાની ઇચ્છા હોય તો પણ તે હવે ફળે તેમ લાગતું નથી. શક્ય છે કે શરદ પવાર માટે આ ચૂંટણી આખરી બની રહે.

1960માં રાજકારણમાં પ્રવેશ કરનારા શરદપવાર 27 વર્ષની વયે બારામતીમાંથી ધારાસભ્ય બન્યા હતા. હવે આ જ બારામતીમાંથી ભત્રીજા અજીત પવાર એક લાખ મતથી કાકા શરદ પવારના પક્ષના ઉમેદવાર યોગેન્દ્ર પવારને પરાજીત કરી વિજયી બન્યા છે.

બે મહિનામાં આઠ ધારાસભ્યોનો બળવો

શરદ પવારને પણ આખરે તેમનો પરિવારવાદ નડી ગયો. 10 જૂન 2023માં શરદ પવારે દીકરી સુપ્રિયા અને પ્રફુલ્લ પટેલને પક્ષના નવા કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા તે સાથે ભત્રીજા અજીત પવારે બંડ પોકાર્યું હતું. બે મહિના બાદ બીજી જુલાઈએ અજીત પવારે એનસીપીના આઠ ધારાસભ્યો સાથે બળવો કર્યો.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મહાયુતિના 'મહાવિજય' પાછળના પાંચ મોટા કારણો, જાણો કયા કયા

બંને પક્ષ પર પવાર ખાનદાનનો અંકુશ

શિંદે સરકારમાં ભાજપની કૃપાથી નાયબ મુખ્ય પ્રધાન બનેલાં અજીત પવારે એનસીપી પોતાની હોવાનો દાવો કર્યો અને 27 વર્ષ અગાઉ બનેલી એનસીપીમાં કાકા અને ભત્રીજાએ પક્ષના બે ભાગલાં કરી તેને વહેંચી લીધો. અજીત પવારે તેમને 40 વિધાનસભ્યોનો ટેકો હોવાનો દાવો કર્યો અને ચૂંટણી પંચે પણ 6 ફેબ્રુઆરી 2024માં અજીત પવારની એનસીપીને અસલી એનસીપી ગણાવી. ત્યારબાદ છ મહિના બાદ પક્ષનું ચૂંટણી ચિહ્ન એલાર્મ ઘડિયાળ અને નામ પણ અજીત પવારને ફાળે ગયા. ત્યાર બાદ ચૂંટણી પંચે બાકી રહેલા ફાડિયાંને એનસીપી શરદ પવાર નામ આપ્યું અને ચૂંટણી ચિહ્ન તુતારી ફાળવ્યું. જો કે પક્ષના બે ફાડિયાં થવા છતાં બંને પક્ષો પર અંકુશ તો પવાર ખાનદાનનો જ રહ્યો છે.

એક વરતારા અનુસાર, શરદ પવારે બંને તરફ બાજી રમી બધું હારી જવાને બદલે અડધું જ દાવ પર લગાવ્યું હતું. આમ, જ્યાં શિવસેના ઉદ્ધવ ઠાકરેનો રકાસ થયો તેની સાથે ઠાકરે પરિવારનો પણ રકાસ થયો. પરંતુ, પવારે ખાનદાનને ઘી ઢળ્યું તો પણ ખીચડીમાં એ ન્યાયે સરવાળે તો ચૂંટણીમાં ફાયદો જ થયો છે. 


Google NewsGoogle News