મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ગરમાવો : શરદ પવારે શિંદે, ફડણવીસ, અજિતને ભોજન માટે આમંત્રણ આપ્યું
શરદ પવાર ત્રણેય નેતા સાથે ‘નમો મહારોજગાર મેળા’માં પણ ભાગ લેશે
શરદ પવાર સાથે પુત્રી સુપ્રિયા સુલે પણ ઉપસ્થિત રહેશે
Namo Maharojgar Melava 2024 : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવાર (Sharad Pawar)ના બારામતીના નિવાસસ્થાને બીજી માર્ચે ભોજન સમારંભ યોજાવાનો છે, જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde), નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) અને ભત્રીજા અજીત પવાર (Ajit Pawar)ને ભોજનનું આમંત્રણ પાઠવ્યું છે. શરદ પવારના આમંત્રણ બાદ મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે.
શરદ પવાર ‘નમો મહારોજગાર મેળા’માં પણ ભાગ લેશે
આ ઉપરાંત શરદ પવાર આ ત્રણેય નેતાઓ સાથે પુણે જિલ્લામાં યોજાનાર ‘નમો મહારોજગાર મેળા’માં પણ ભાગ લેશે. આ અગાઉ અજિત પવાર બારામતી લોકસભા મતક્ષેત્ર પરથી ઉમેદવાર ઉતારવાનું વિચારી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ તેમની પિતરાઈ બહેન અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે આ મતવિસ્તારનું પ્રતિનિધિ કરી રહી છે, તેથી કાકા અને ભત્રીજા બંને માતે બારામતી બેઠક ખુબ મહત્વની છે.
શરદ પવારે આમંત્રણ અંગે શું કહ્યું ?
ત્રણેય નેતાઓને આમંત્રણ પાઠવવા અંગે શરદ પવારે કહ્યું કે, સાંસદ તરીકે હું અને સુપ્રિયા બારામતીમાં યોજાનાર સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છીએ છીએ. રાજ્યસભા સાંસદ પવારે શિંદેને લખેલા પત્રમાં કહ્યું કે, મને વિદ્યા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ તરીકે શૈક્ષણિક સંસ્થામાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં ખુશી થશે. આ ઉપરાંત તેમણે શિંદેને આગ્રહ કર્યો છે કે, તેઓ ફડણવીસ અને અજીત સાથેના વિદ્યા પ્રતિષ્ઠાનના કાર્યક્રમ બાદ મારા નિવાસ્થાન ગોવિંદ બાગમાં ભોજન માટેનું આમંત્રણ સ્વિકારે.
ઉલ્લેખનિય છે કે, શરદ પવાર દ્વારા 1999માં સ્થપાયેલી NCPમાંથી અજિત પવારે બળવો કર્યા બાદ કાકા અને ભત્રિજા વચ્ચેના સંબંધો બગડ્યા હતા. આ દરમિયાન અજિતે શિંદે જૂથની શિવસેના અને ભાજપ સાથે હાલ મિલાવી નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા. એટલું જ નહીં, તેમણે NCPનું નામ અને ચિન્હ પણ લઈ લીધું હતું.