અદાણીની હાજરીમાં શરદ પવારે અમિત શાહ સાથે સરકાર રચવાની વાત કરી હતી, દિગ્ગજનો દાવો
Ajit Pawar Big Claim | મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક મોટો દાવો કર્યો છે કે 2019માં જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને ભાજપ વચ્ચે (BJP) સાથે ગઠબંધન અંગે વાતચીત ચાલી રહી હતી, ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ તે બેઠકમાં હાજરી આપી હતી. તેમણે દાવો કર્યો હતો કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિવાય શરદ પવાર પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અજિતે એવું પણ કહ્યું કે હું શરદ પવારને સંપૂર્ણ જાણકારી આપીને જ ભાજપ સાથે જોડાયો હતો.
અજિત પવારે કર્યો મોટો દાવો!
અજિત પવારે 2019 માં ભાજપ સાથે સરકાર બનાવવાના પ્રયાસ દરમિયાન કરેલા બળવા અંગે પ્રતિક્રિયા આપતાં એક ઈન્ટરવ્યૂમાં આ વાતો કહી હતી. જેમાં કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે મીટિંગ ક્યાં થઈ હતી, દરેક વ્યક્તિ ત્યાં હાજર હતા. હું તમને ફરીથી કહું છું કે અમિત શાહ, ગૌતમ અદાણી, પ્રફુલ પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને પવાર સાહેબ (શરદ પવાર) પણ એ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં શરદ પવારે અમિત શાહ સાથે મળીને સરકાર રચવાની વાત કરી હતી. ત્યારે ગૌતમ અદાણી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
અદાણી પર પ્રિયંકા ચતુર્વેદીના પ્રહાર
રાજ્યસભાના સાંસદ અને શિવસેના (UBT)ના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ અજિત પવારના અદાણી સંબંધિત દાવાઓ પર સૌથી પહેલા પ્રતિક્રિયા આપતા કહ્યું કે "એક વરિષ્ઠ કેબિનેટ મંત્રીના દાવા મુજબ, ગૌતમ અદાણી એ બેઠકોનો ભાગ હતા જેમાં મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાં લાવવા માટે સંભવિત જોડાણો પર ચર્ચા કરવામાં આવી રહી હતી. આનાથી ઘણાં ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. શું તેમને સત્તાવાર વાટાઘાટકાર બનાવાયા છે? એક બિઝનેસમેન મહારાષ્ટ્રમાં ભાજપને સત્તામાં લાવવા માટે આટલો રસ કેમ બતાવે છે?
સુપ્રિયા સુલેએ હાથ ખંખેર્યા!
જ્યારે શરદ પવારની પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલેને આ બેઠક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મને આવી કોઈ બેઠકની જાણકારી નથી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અજિત પવારે ઈન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો છે તે મીટિંગ વિશે મને કોઈ જાણકારી નથી.