Get The App

શરદ પવારનો માસ્ટર સ્ટ્રોક, મરાઠાઓને આકર્ષતું ચૂંટણી ચિહ્ન મેળવ્યું, ચૂંટણી પંચે 'તુતારી'ને આપી મંજૂરી

'ઘડિયાળ' છીનવાયા બાદ હવે શરદ પવારની પાર્ટીનું નવું ચિહ્ન મરાઠાઓનું પરંપરાગત વાજિંત્ર 'તુતારી'

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
શરદ પવારનો માસ્ટર સ્ટ્રોક, મરાઠાઓને આકર્ષતું ચૂંટણી ચિહ્ન મેળવ્યું, ચૂંટણી પંચે 'તુતારી'ને આપી મંજૂરી 1 - image
add caption

Sharad Pawar New Party Symbol : મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી 2024 પહેલા શરદ પવાર જૂથને નવું પ્રતીક મળ્યું છે. ચૂંટણી પંચે ચૂંટણી ચિન્હને મંજૂરી આપી દીધી છે. શરદ પવાર જૂથને તુતારી ચૂંટણી ચિન્હ મળ્યું છે, જેમાં એક વ્યક્તિ ટ્રમ્પેટ વગાડતો જોવા મળી રહ્યો છે. NCP શરદ ચંદ્ર પવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

પાર્ટીએ ટ્વિટ કરીને આપી જાણકારી 

NCP શરદ ચંદ્ર પવારે X પર પાર્ટીનું ચિહ્ન અને ચૂંટણી પંચનો પત્ર પોસ્ટ કર્યો હતો. જેમાં પાર્ટીએ લખ્યું કે શરદ પવારની સાથે 'તુતારી' ફરી એકવાર દિલ્હીની ગાદીને હચમચાવી મૂકવા માટે તૈયાર છે. NCP શરદ ચંદ્ર પવારના ઉમેદવાર આ ચિહ્ન પર લોકસભા ચૂંટણી 2024 લડશે.

શિવસેના જેવો થયો હતો ખેલ 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે બાદ શરદ પવારને પાર્ટીની સાથે નવું ચૂંટણી ચિન્હ પણ મળી ગયું છે. શિવસેનામાં એકનાથ શિંદેના બળવાના કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી ગઇ હતી. ત્યારબાદ ચૂંટણી પંચે શિવસેના અને ચૂંટણી ચિન્હ શિંદે જૂથને સોંપી દીધા હતા અને ઉદ્ધવ ઠાકરેને નવો પક્ષ 'શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે' મળ્યો અને તેનું ચૂંટણી પ્રતીક મશાલ છે. આવી જ રમત શરદ પવાર સાથે પણ થઇ હતી.

ચૂંટણી પંચે અજિત પવારને અસલ એનસીપી ગણાવ્યા

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર કાકા શરદ પવારથી અલગ થઈ ગયા અને શિંદે સરકારમાં જોડાઈ ગયા હતા. 6 ફેબ્રુઆરીએ, ચૂંટણી પંચે અજિત પવાર જૂથને અસલ NCP માની અને તેમને પાર્ટી અને પ્રતીક સોંપ્યું. આ પછી શરદ પવારે ECને પાર્ટીનું નવું નામ સૂચવ્યું. તેના પર પંચે એનસીપી શરદચંદ્ર પવારને મંજૂરી આપી હતી. હવે ચૂંટણી પંચે તેમને નવું ચૂંટણી ચિન્હ તુતારી આપ્યું છે.


Google NewsGoogle News