'ભત્રીજા' ના આવતા જ 'કાકા' ખુરશી મૂકી ઊભા થયા! મહારાષ્ટ્રના રાજકારણનું આ દ્રશ્ય ચર્ચામાં

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
Ajit Pawar and Sharad Pawar


Maharashtra Politics: લોકસભા ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે શનિવારે (20મી જુલાઈ) રાજ્યમાં એક રસપ્રદ ઘટના બની હતી. અજિત પવાર અને શરદ પવાર જિલ્લા વિકાસ પરિષદની બેઠકમાં ભાગ લેવા પુણે પહોંચ્યા હતા. અજિત પવાર વિકાસ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. અજિત પવાર મીટિંગ રૂમમાં પહોંચ્યા કે તરત જ ત્યાં પહેલાથી જ બેઠેલા શરદ પવાર પોતાની ખુરશી છોડીને ઊભા થઈ ગયા હતા.

સુપ્રિયા સુલેએ શું કહ્યું?

રાજ્યસભાના સભ્ય તરીકે 83 વર્ષીય શરદ પવારે પુણેમાં વિકાસ પરિષદની બેઠકમાં હાજરી આપી હતી. અજિત પવાર અંદર આવ્યા કે શરદ પવાર અને સભામાં ભાગ લેવા આવેલા અન્ય લોકો સ્પીકરના માનમાં ઊભા થઈ ગયા હતા. આ અંગે સુપ્રિયા સુલેએ જણાવ્યું હતું કે, 'તે (શરદ પવાર) પ્રોટોકોલને અનુસરવા માટે ઊભા થયા અને તમામ રાજકીય કાર્યકરોએ આમાંથી પ્રેરણા લેવી જોઈએ.'

કાકા-ભત્રીજા વચ્ચે રાજકીય ખેંચતાણ

રાજકીય વારસાને લઈને શરદ પવાર અને અજિત પવાર વચ્ચેની તકરારની વાત કોઈનાથી છુપાયેલી નથી. અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર પોતાનું વર્ચસ્વ ઈચ્છતા હતા, પરંતુ શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલેને તેમના રાજકીય ઉત્તરાધિકારી બનાવ્યા. આનાથી નારાજ અજિત પવારે એનસીપી તોડી નાખી હતી. ધારાસભ્યોની સંખ્યાના આધારે અજિત પવારને NCPના અધ્યક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. બીજી તરફ શરદ પવારે બીજી પાર્ટી બનાવવી પડી. હવે કાકા-ભત્રીજા સાથે આવવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે.



Google NewsGoogle News