શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા પાછા હટયા: મમતા મીટીંગમાં ગેરહાજર: વિપક્ષ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કેમ નક્કી કરશે ?
- વિપક્ષી એકતા રચાતા પહેલા જ વિખરાઈ રહી
- રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષો હજી ઉમેદવારની શોધમાં છે એક પછી એક મિટિંગો થાય છે: વરિષ્ઠ નેતાઓ, મમતા પણ દૂર રહે છે
નવી દિલ્હી : રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિપક્ષો હજી ઉમેદવારની શોધમાં છે. ભાજપ અને તેના નેતૃત્વ નીચેના NDAએ હજી પાનાં છાતી સરસા જ રાખ્યાં છે. તેવામાં વિપક્ષોના દિગ્ગજ નેતાઓ ફારૂક અબ્દુલ્લા અને શરદ પવાર પાછા હટી ગયા છે અને એક સમયે આ મુદ્દાએ વિપક્ષોને એકજૂથ કરવાના પ્રયાસ કરનારા મમતા બેનરજી પણ આ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતા શરદ પવારે બોલાવેલી બેઠકમાં ગેરહાજર રહેતા પરિસ્થિતિ ઘણી જ ડહોળાઈ ગઈ છે.
જ્યારે દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસને અત્યારે આ ચર્ચામાં ખાસ રસ દેખાતો નથી તેનું એક કારણ તે પણ હોઈ શકે કે તેના વરિષ્ઠ નેતા અત્યારે ED ની તપાસમાં ગુંચવાયેલા છે. પક્ષના અંતરિમ અધ્યક્ષા સોનિયા ગાંધી માંદગીમાં સપડાયેલા છે.
તે સર્વવિદિત છે કે રા.કો.પા.ના અધ્યક્ષ શરદ પવારનું નામ વિપક્ષોએ સૂચવ્યું હતું પરંતુ તેઓ વિવિધ કારણોસર રાષ્ટ્રના સર્વોચ્ચ પદ અંગે 'નકાર' ભણી દીધો હતો. તે પછી જ અને કા.ના પૂર્વ મંત્રી ફારૂક અબ્દુલ્લાનું પણ નામ આવ્યું પરંતુ તેમણે પણ રાજ્યના રાજકારણનો હવાલો આપી તેથી દૂર રહેવા નિર્ણય કર્યો છે.
હવે જ્યારે શરદ પવારે તા. ૨૧મી જૂને વિપક્ષોની બેઠક બોલાવી ત્યારે શનિવારે મમતા બેનર્જીએ તેમાં હાજર રહેવાની અશક્તિ દર્શાવી દીધી હતી. મીડીયા રિપોર્ટસ પ્રમાણે પવારના આમંત્રણ પત્ર અંગે જ મમતા નારાજ છે. તેઓએ તે બેઠકમાં પાર્ટીના મહામંત્રી અભિષેક બેનર્જીને મોકલશે તેમ લાગે છે. મરક્યુરિયન સ્વભાવ ધરાવતા આ વિદૂષી મમતા બેનર્જીની સૌથી મોટી તકલીફ તે લાગે છે કે તેઓ 'હોમવર્ક' કર્યા સિવાય જ યુદ્ધમાં ઝંપલાવી દે છે.
૨૦૧૨માં તેમની પાર્ટી TMC , UPA નો ભાગ હતી જેના ઉમેદવાર સ્વ. પ્રણવ મુખર્જી હતા તે સમયે તેમણે મુખર્જીના નામનો વિરોધ કર્યોહતો. અને સ.પા.ના મુલાયમસિંહની સાથે રહીને એ.પી.જે. અબ્દુલ કલામનું નામ સૂચવ્યું. જો કે કલામ સાહેબે પોતે જ બીજીવાર રાષ્ટ્રપતિપદે રહેવાની અનિચ્છા દર્શાવતા તેમને ફરીવાર મુખર્જીનું નામ સૂચવવું પડયું હતું.
2017માં બેનર્જીએ UPA ઉમેદવાર અને લોકસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી મીરાકુમારનું સમર્થન કરવા માટે વિપક્ષોને એકજૂથ કરવા પ્રયત્ન કર્યા, પરંતુ રામનાથ કોવિંદની જીત થઈ. નિરીક્ષકો માને છે કે, ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨ તે ત્રણે દરમિયાન એક ખાસ પેટર્ન નજરમાં આવે છે તે એ કે બેનર્જી વ્યવસ્થિત હોમવર્ક કર્યા સિવાયના તૈયારીઓમાં લાગી પડે છે.
કોંગ્રેસ હજી સુધી મૌન છે કે હજી સુધી તેણે કોઈ બેઠકમાં સક્રિયતા દર્શાવી નથી. તે માત્ર હાજર જ રહી છે. તેણે હજી કોઈ નામ આપ્યું નથી તે અન્ય વિપક્ષોને 'માપી' રહી છે. કદાચ ઓચિંતાની કોઈ ઘોષણા કરે. જો કે અત્યારે તો રાહુલ ગાંધી સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઈઘ ના રડાર પર છે. અન્ય તમામ સંસ્થાઓના રડાર ઉપર પણ તેના નેતાઓ છે તેથી પોતાની જ મુશ્કેલીમાં પડેલી કોંગ્રેસ અન્ય ચર્ચાઓમાં સક્રિય ભૂમિકા ભજવી શકે નહી હોય તેમ લાગે છે.