મહારાષ્ટ્રમાં પરાજય બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શરદ પવાર, ભત્રીજા અજિત પર લગાવ્યા ગંભીર આક્ષેપ
Maharashtra NCP Symbol Row: એનસીપી (શરદ પવાર જૂથ) અને અજિત પવાર જૂથ ચૂંટણી પ્રતીક વિવાદની સુનાવણી પહેલા શરદ પવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ સોગંદનામામાં તેમણે કહ્યું છે કે, 'અજિત પવારે ઘડિયાળ ચૂંટણી ચિહ્નને લઈને મતદારોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘડિયાળના ચૂંટણી ચિહ્ન સાથે જોડાયેલી સદ્ભાવનાનો અયોગ્ય લાભ લેવાનો પ્રયાસ કરાયો હતો.' શરદ પવારે આરોપોને સાબિત કરવા માટે છ દસ્તાવેજો રજૂ કરવાની પરવાનગી માંગી હતી.
શું છે સમગ્ર મામલો?
એનસીપી(શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પી. એ. સંગમા અને તારિક અનવર સાથે વર્ષ 1999માં એનસીપીની સ્થાપના કરી હતી. પરંતુ વર્ષ 2023માં અજિત પવારની આગેવાની હેઠળના બળવાએ એનસીપીમાં ભાગલા પાડ્યા હતા. ત્યાર બાદ અજિત પવાર 40 ધારાસભ્યો સાથે એકનાથ શિંદેની આગેવાની હેઠળની ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સરકારમાં જોડાયા. અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા. આ મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો.
અજિત જૂથને 'ઘડિયાળ' ચૂંટણી ચિહ્ન મળ્યું
ચૂંટણી પંચે અજિત પવારના જૂથને અસલ એનસીપી જાહેર કરી અને તેમની પાર્ટીનું નામ અને 'ઘડિયાળ' ચૂંટણી ચિહ્ન આપ્યું હતું. શરદ પવાર જૂથે આ મામલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારપછી કોર્ટે શરદ પવાર જૂથને તેના નામ તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે 'તુતારી' (જેમાં એક વ્યક્તિ ટ્રમ્પેટ વગાડતો જોવા મળે છે) ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.
કોર્ટે અજિત પવાર જૂથને ચૂંટણી માટે 'એનસીપી' પાર્ટીના નામ અને 'ઘડિયાળ' ચૂંટણી ચિહ્નના ઉપયોગને મંજૂરી આપી હતી. શરદ પવાર જૂથે તેનો વિરોધ કર્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. શરદ પવારે અજિત પવારના જૂથ પર NCPના નામ અને ચિહ્નનો ઉપયોગ કરીને કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
શરદ પવાર જૂથના નબળા પ્રદર્શનનું કારણ પ્રતીક
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. શરદ પવારના જૂથને માત્ર 10 બેઠક મળી હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, તુતારી ચૂંટણી ચિહ્ન ધરાવતા અપક્ષ ઉમેદવારોને કારણે શરદ પવાર જૂથને ઓછામાં ઓછી નવ બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણી બેઠક પર પાર્ટીના નબળા પ્રદર્શનનું કારણ ચૂંટણી ચિહ્ન હોઈ શકે છે.