‘હા, અદાણીના ઘરે અમિત શાહને મળ્યો હતો’, શરદ પવારની કબૂલાતથી રાજકીય ગરમાવો
Maharashtra election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના આરે ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વિવિધ રાજકીય પક્ષો એક-બીજા પર આકરા પ્રહારો કરતાં વોટ બેન્ક હાંસલ કરવાની તનતોડ મહેનત કરી રહ્યા છે. હાલમાં જ અજિત પવારના કરેલા દાવાને સ્વીકારતાં વરિષ્ઠ નેતા શરદ પવારે કહ્યું કે, તેમણે 2019માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે ભાજપ, એનસીપી નેતાઓ સાથે બેઠક કરી હતી.
મીડિયા સાથે વાતચીત કરતાં શરદ પવારે જણાવ્યું કે, 2019માં અદાણીના આવાસ પર યોજાયેલી આ બેઠકમાં તે પોતે, અદાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અજિત પવાર ઉપસ્થિત રહ્યા હતા. જો કે, ગૌતમ અદાણી રાજકીય ચર્ચાનો હિસ્સો બન્યા ન હતા. તેમણે માત્ર ડિનરનું આયોજન કર્યું હતું. અજિત પવારે દાવો કર્યો હતો કે, 2019માં ભાજપ અને એનસીપીના નેતાઓએ અદાણીના ઘરે બેઠક યોજી હતી. જે દર્શાવે છે કે, ભાજપ અદાણીની સરકાર છે.
આ પણ વાંચોઃમોટો ફેરફાર! 5 કરોડ સુધીની વેલ્યૂએશનવાળી જમીન પર પ્રિમિયમ મંજૂરી કલેક્ટર હસ્તક રહેશે
બેઠકમાં આ સોદો થયો
રિપોર્ટ અનુસાર, શરદ પવારે જણાવ્યું કે, આ બેઠકમાં મને ભાજપને ટેકો આપવા અપીલ કરાઈ હતી. તેના બદલામાં મારા પક્ષના અમુક સભ્યો પર ચાલી રહેલા કેસો રદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ મને ભાજપ પર વિશ્વાસ ન હતો. જેથી મે આ સોદો સ્વીકાર્યો નહીં. આ સમગ્ર ચર્ચામાં અદાણીએ ક્યાંય ભાગ લીધો ન હતો. તેઓ માત્ર ડિનરમાં અમારી સાથે હતાં.
ભાજપ અદાણીની સરકાર
અજિત પવારે હાલમાં જ નિવેદન આપ્યું હતું કે, 2019માં ભાજપના દિગ્ગજ નેતાઓ, એનસીપી નેતાઓએ ગૌતમ અદાણીના ઘરે બેઠક કરી હતી. જેમાં ગૌતમ અદાણી, પ્રફુલ પટેલ, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, શરદ પવાર ઉપસ્થિત હતાં. અજિત પવારના આ નિવેદનથી જ રાજકારણમાં ખળભળાટ મચ્યો હતો. વિપક્ષના નેતાઓએ આ નિવેદન પર દાવો કર્યો છે કે, મોદી સરકાર એ વાસ્તવમાં અદાણીની સરકાર છે.