પ્રથમ વખત એક જ મંચ પર બિરાજ્યા 3 મઠના શંકરાચાર્ય, મહાકુંભમાં જોવા મળ્યો અદભૂત નજારો
MahaKumbh Mela: મહાકુંભ મેળામાં સનાતન વેદિકા હિન્દુ ધર્મ સંસદ યોજાઈ હતી. જેમાં પ્રથમ વખત દેશના ત્રણ મઠના જગદગુરૂ શંકરાચાર્ય એક જ મંચ પર જોવા મળ્યા હતાં. તેઓએ એક મંચ પર એકઠા થઈ સનાતન ધર્મ વિશે 27 જેટલા આદેશ જારી કર્યા હતાં. તેઓએ દેશની એકતા, અખંડતા, સામાજિક સમરસતા અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે આહ્વાન કર્યું હતું. શ્રી શંકરાચાર્ય શિબિર, જ્યોતિર્મઠ બદ્રિકાશ્રમના પ્રભારી મુકુંદાનંદ બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે, આ આયોજનમાં શૃંગેરી મઠના શંકરાચાર્ય વિદુશેખર ભારતીજીએ જણાવ્યું હતું કે, આદિ ગુરૂ શંકરાચાર્યજીએ લોકોના ઉદ્ધાર માટે એક વિશિષ્ઠ ગ્રંથ પ્રશ્નોત્તર મલ્લિકા લખ્યો હતો. જેમાં તેમણે પોતાને પ્રશ્ન કરી ઉત્તર આપ્યા છે.
સનાતન સંસ્કૃતિની રક્ષા માટે 27 ધર્માદેશ જાહેર કર્યાં
મહાકુંભ મેળામાં આયોજિત સનાતન વેદિકા હિન્દુ ધર્મ સંસદમાં દ્વારકાના શારદા મઠના જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ, અને શૃંગેરી મઠના જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી વિધુશેખર ભારતીજીએ ભાગ લીધો હતો. તેમણે સનાતન સંસ્કૃતિની રક્ષા અને ઉન્નતિ માટે 27 ધર્માદેશ જાહેર કર્યા હતા.
સંસ્કૃત ભાષા પર ભાર મૂક્યો
આ અવસર પર શંકરાચાર્ય સ્વામી સદાનંદે સંસ્કૃત ભાષા પર ભાર મૂક્યો હતો. જ્યોતિર્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સંસ્કૃત ભાષા માટે બજેટ ફાળવવા ભલામણ કરી હતી. ધર્માદેશમાં નદીઓ અને પરિવાર રૂપી સંસ્થાને બચાવવા માટે તમામને એકજૂટ થવા આહ્વાન કર્યું હતું. તેમણે ધર્મના શિક્ષણને હિન્દુઓના મૌલિક અધિકારોમાં સામેલ કરવાની પણ અપીલ કરી હતી.