‘અમે તેને હિન્દુ નથી માનતા...’ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદીનો ઉલ્લેખ કરી નિવેદન આપતા હોબાળો
Shankaracharya Swami Avimukteshwaranand: ઉત્તરાખંડ સ્થિત જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી તેમના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે તેમણે મંગળવારે (17 સપ્ટેમ્બરે) વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરી મોટું નિવેદન આપ્યું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે વડાપ્રધાન મોદીના જન્મદિવસ અંગે કટાક્ષ કરતા કહ્યું કે, ‘જે વ્યક્તિ અંગ્રેજી તારીખથી પોતાનો જન્મદિવસ ઉજવે છે, અમે તેને હિન્દુ નથી માનતા, કારણ કે હિન્દુઓના દેવી-દેવતાઓની જન્મતિથિ અંગ્રેજી તારીખથી બની નથી.’
શું બોલ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ?
મીડિયા રિપોર્ટ મુજબ શંકરાચાર્યએ કહ્યું કે, 'અંગ્રેજોની તારીખથી જે પણ પોતાનો જન્મદિવસ ઉજવે છે, તેના માતા અથવા તેના પિતા અંગ્રેજ હશે. આ માટે અમે અંગ્રેજી તારીખથી જન્મદિવસ ઉજવતા લોકોને ન તો શુભેચ્છાઓ આપીએ છે, ન તો તેમની કોઈ ચર્ચા કરીએ છે. અમે આવા લોકોને હિન્દુ પણ નથી માનતા, કારણ કે હિન્દુ દેવી-દેવતાઓની જન્મતિથિ અંગ્રેજી તારીખથી બની નથી.’
પીએમ મોદી ગૌહત્યા કેમ નથી અટકાવતા?
ગૌહત્યા પર વાત કરતા તેમણે કહ્યું કે, 'અમારે વડાપ્રધાન મોદીથી એક જ સવાલ કરવો છે કે, તમે હિન્દુ છો, તમારી પાસે તાકાત છે અને તમે ખુરશી પર બેઠા છો. તમે હિન્દુઓના વોટ લીધા છે. તમે ગાયના વાછરડાને રમાડતા પણ જોવા મળો છો. આમ છતાં શું કારણ છે કે, તેઓ ગૌહત્યા બંધ નથી કરાવી રહ્યા? તમારા પર શું દબાણ છે, તે જાહેર કરો અથવા હિન્દુ-હિન્દુ બોલવાનું બંધ કરો.'
વધુમાં તેમણે કહ્યું કે, 'ભાજપ 16 વર્ષોથી દેશની સત્તા પર છે, જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનો કાર્યકાળ પણ સામેલ છે. આવામાં શું કારણ છે કે ગૌહત્યા મામલે મોડું થઇ રહ્યું છે. હું મોદીને આ પ્રશ્ન કરું છું અને તેમણે આનો જવાબ તમામ હિન્દુઓને આપવો જોઇએ.'
રાહુલ ગાંધી અંગે શું બોલ્યા શંકરાચાર્ય?
આ ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ ગાંધીની જાતિગત વસ્તી ગણતરીની માંગ પર વાત કરતા શંકરાચાર્યએ કહ્યું કે, 'દેશમાં જાતિગત વસ્તી ગણતરી થાય કે ન થાય બંને બેકાર વાત છે. જો કે, વસ્તી ગણતરી થાય તો જાતિગત વસ્તી ગણતરી થવી જોઇએ, પરંતુ આ અંગે રાજકારણ ન કરવું જોઇએ.'