માલિક મુસ્લિમ અને નોકર હિન્દુ નીકળ્યા તો? નેમપ્લેટ વિવાદમાં શંકરાચાર્યએ યોગી સરકારને લગાવી ફટકાર
Shankaracharya on Kanwar Yatra : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના કાવડ યાત્રાના રૂટ પર આવતી તમામ દુકાનો પર નેમપ્લેટ લગાવવાના આદેશને લઈને લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે, ત્યારે જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ કાવડ યાત્રાના માર્ગ પર આવતી ખાણીપીણીની દુકાનો પર માલિકના નામ લખવાના યોગી સરકારના આદેશ પર ફટકાર લગાવતા કહ્યું હતું કે, 'નેમપ્લેટ' કાયદો લાભની સામે નુકસાન પહોંચડશે. જો દુકાનનો માલિક મુસ્લિમ હોવાની સાથે તેને ત્યાં કામ કરતાં કર્મચારીઓ હિંદુ હોય તો શું થશે? આ ઉપરાંત, ધર્મપરિવર્તન કરનારા લોકો પણ પોતાના નામ બદલતા નથી, તો તેવા કિસ્સામાં તમે શું કરશો?' બીજી તરફ, સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીને લઈને યૂપી અને ઉત્તરાખંડ સરકારના કાવડ યાત્રામાં નેમપ્લેટ લગાવવાના નિર્ણય સામે વચગાળાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે નેમપ્લેટના નિર્ણય પર વચગાળાનો પ્રતિબંધ લગાવ્યો
ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને લઈને નિર્ણય કર્યો હતો કે, કાવડ યાત્રાના રૂટમાં આવતી ખાણીપીણીની દુકાનોના માલિકે પોતાના નામ દુકાનની આગાળ લખીને રાખવા પડશે. પરંતુ યૂપી અને ઝારખંડ સરકારે હાલ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે કાવડ યાત્રામાં નેમપ્લેટના નિર્ણય સામે વચગાળાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
જ્યોતિર્મઠના શંકરાચાર્યએ શું કહ્યું?
જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, 'આ પ્રકારના આદેશ બંને ધર્મો વચ્ચે વિખવાદ ઉભો કરી શકે છે. આ સાથે કાવડ યાત્રામાં જોડાયેલા લોકોએ શાસ્ત્રની પવિત્રતાને ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ અહીં તો ડીજે વગાડી લોકો કુદા-કુદ કરી રહ્યાં છે. તેવામાં કાવડ યાત્રામાં જોડાયેલા લોકોમાં કઈ રીતે ધાર્મિક ભાવના જોવા મળશે. જો હિન્દુ-મુસ્લિમમાં ભેદભાવ રાખીશું તો લોકોમાં વિખવાદ ઉભો થશે. દરેક સમયે જો હિન્દુ-મુસ્લિમની દ્રષ્ટીથી જોવામાં આવશે તો લોકોમાં કડવાશ અને ટકરાવ ઉભો થશે. માલિક મુસ્લિમ અને નોકર હિન્દુ નીકળ્યા તો? મારા આ નિવેદન પછી તો કેટલાક હિન્દુઓ કહેશે કે અમારી વિરુદ્ધમાં બોલી રહ્યાં છે, પરંતુ હું જે કહી રહ્યો છું એ સાચું છે.'
ભાગલા પાડી રાજ કરવાની નીતિ છે
શંકરાચાર્યએ કહ્યું કે, 'જેમણે અચાનક આ નિયમ લાગુ કર્યો છે એમના મનમાં ક્યાંકને ક્યાંક રાજકારણ છે. આ સાથે આનું અર્થઘટન કરી રહેલા પણ રાજકારણ કરી રહ્યાં છે. ભાગલા પાડવાનું કામ આ બંને કરી રહ્યાં છે. આ મામલે વિપક્ષે યોગ્ય વાત રજૂ કરવી જોઈએ. ત્યારે આવી પરિસ્થિતિમાં કોઈએ સંભાળ રાખવી નથી, બધાને મગજમાં ઝેર રોપવું છે. આ તો ભાગલા પાડી રાજ કરવાની નીતિ છે.'