શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીના ‘હિંસક હિંદુ’ નિવેદનનો બચાવ કર્યો, કહ્યું- અધૂરું સત્ય ફેલાવવું ગુનો
Avimukteshwaranand Support Rahul Gandhi: સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ પર આપેલા નિવેદન બાદ ભાજપ અને હિંદુ સંગઠનોએ સાથે મળીને તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP)થી લઈને ધાર્મિક નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા હતા. ત્યાર આજે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હિંદુ ધર્મ વિશેના નિવેદનનું સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીના હિંદુ નિવેદનને લઈને ઉગ્ર ટીકાઓ વચ્ચે હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસના સાંસદનું સમર્થન આપતો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો વીડિયો વાયરલ
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ 1 મિનિટના વિડિયોને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે, "અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય પણ હિંદુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા નથી. રાહુલ ગાંધીના સંપૂર્ણ નિવેદનમાંથી અડધા નિવેદનનો ભાગ ફેલાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર ગુનો છે. અને આવુ કરનારને સજા થવી જોઈએ."
આ પણ વાંચો: - પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાસભાગ : એકનું મોત, 400 ઘાયલ
સંસદમાં રાહુલ ગાંધીએ આપેલું નિવેદન
1લી જુલાઈના રોજ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, "જે લોકો પોતાને હિંદુ માને છે, તેઓ 24 કલાક હિંસા અને નફરત ફેલાવતા રહે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે, સત્યને સાથ આપવો જોઈએ, તેનું સમર્થન કરવું જોઈએ." રાહુલ ગાંધીએ સંસદના વિશેષ સત્ર દરમિયાન આપેલા નિવેદનમાં હિન્દુ વિરોધી વાત કરવામાં આવી નથી.
સાચો હિંદુ એ છે જે ગાયના રક્ષણ માટે કાયદો લાવે: શંકરાચાર્ય
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ અગાઉ રાહુલના નિવેદન પર કહ્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષ સાચો હિંદુ હિતેચ્છુ નથી. કારણ કે, કોઈ પણ રાજકીય પક્ષ હિંદુ ધર્મમાં માતાનો દરજ્જો ધરાવતી 'માતા ગાય' માટે હજુ સુધી 'ગાય સંરક્ષણ કાયદો' લાવી નથી શકી. રાહુલ ગાંધી સંસદમાં જે કહે છે તે રાજકીય નિવેદન છે, પરંતુ સાચો હિંદુ તે છે, જે ગાય સંરક્ષણ કાયદો લાવે.
રામ મંદિરના મુહૂર્તને લઈને શંકરાચાર્યોએ ઉઠાવ્યા હતા સવાલ
અગાઉ શંકરાચાર્યોએ અલગ-અલગ કારણો દર્શાવીને રામ મંદિરનું ઉદ્ઘાટન ટાળવા કહ્યું હતું. જો કે પછીથી શંકરાચાર્યોએ પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન પણ આપ્યું છે. આ પહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, મંદિર હજુ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયું નથી અને તે પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. અધૂરામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે.