મેં કોંગ્રેસ અને અખિલેશ યાદવ વિરુદ્ધ પણ આંદોલન કર્યું, લાઠીચાર્જ થયો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો જવાબ
Swami Avimukteshwaranand: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ હંમેશા મોદી સરકાર વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે. મહાકુંભમાં મૌની અમાવસ્યા પર થયેલી નાસભાગ બાદ તેઓ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પર પણ એક પછી એક નિશાન સાધી રહ્યા છે. આ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ શા માટે વારંવાર ભાજપ સરકાર વિરુદ્ધ નિવેદનો આપે છે, તો તેમણે વિગતવાર જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, 'હું કોઈ પાર્ટીની વિરુદ્ધ નથી, હું માત્ર ખોટા કામો પર સવાલ ઉઠાવું છું. મેં ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતીની સરકારનો પણ વિરોધ કર્યો છે અને કેન્દ્રમાં યુપીએ સરકારના નિર્ણયો સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે.'
મેં અખિલેશ યાદવનો પણ વિરોધ કર્યો હતો: અવિમુક્તેશ્વરાનંદ
અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'જ્યારે અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓએ ભગવાન ગણેશની મૂર્તિને અધવચ્ચે જ અટકાવી દીધી અને તે બે દિવસ ત્યાં જ રહી. તેની કોઈ જ પૂજા નહીં, પાઠ નહીં, વિસર્જન નહીં. અમે તેનો પણ વિરોધ કર્યો. ઘણા લોકો વિરોધ કરી રહ્યા હતા. અમે પણ લોકોની સાથે ઊભા હતા. બાદમાં અમને લાકડીઓ વડે માર મારવામાં આવ્યા હતા. અમે તેનો વિરોધ કર્યો અને વિરોધ યાત્રા કાઢી અને અખિલેશ યાદવને પડકાર્યો કે તે આ અન્યાય કર્યો છે, હવે તું ગયો. તેમજ તેની સત્તાનો વિરોધ કર્યો.'
કાશીમાં મંદિર તોડવા સામે માયાવતીનો વિરોધ
એક ઇન્ટરવ્યૂમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'જ્યારે માયાવતી ઉત્તર પ્રદેશમાં શાસન કરતી હતી, ત્યારે તેણે કાશીમાં મંદિરો તોડવાનું શરુ કર્યું હતું. અમે વિરોધ કર્યો. અમે તેમની સામે જોરદાર આંદોલન ચલાવ્યું. જેના કારણે તેમને લેખિત વચન આપવું પડ્યું કે હવે અમે મંદિર તોડીશું નહીં. ત્યારે જ અમે આંદોલન પાછું ખેંચ્યું હતું. તે પત્ર હજુ પણ અમારી પાસે છે.'
રામ સેતુ તોડી પાડવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ
રામ સેતુ તોડી પાડવાના નિર્ણય સામે કોંગ્રેસનો વિરોધ બાબતે વાત કરતાં અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી. ત્યારે તેણે રામ સેતુ તોડવાનું શરુ કર્યું. ત્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા. અમે રામ સેતુના બચાવ માટે સરકારના વિરોધમાં સૌથી મોટું આંદોલન કર્યું.'
આ મામલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે વધુમાં કહ્યું હતું કે, 'આ સમય પછી અમે વર્ષ 2012 અને 2014 વચ્ચે ગંગા માટે આંદોલન કર્યું. ત્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. આજે ભાજપ સરકાર છે અને આજે અમે તેમની સામે આંદોલન કરી રહ્યા છીએ. અમે તો જે પણ સત્તામાં હોય અને જે પણ ગડબડ કરે તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. તે કયો પક્ષ છે, કયો નેતા છે તે અમે જોયું નથી, અમને જે ખોટું લાગ્યું તેનો અમે વિરોધ કર્યો.'