'હાઇવે પાર્કિંગ માટે નથી, તમારા ટ્રેક્ટરો હટાવો..', શંભુ બોર્ડર પર અડગ ખેડૂતોને સુપ્રીમ કોર્ટનું ફરમાન

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
'હાઇવે પાર્કિંગ માટે નથી, તમારા ટ્રેક્ટરો હટાવો..', શંભુ બોર્ડર પર અડગ ખેડૂતોને સુપ્રીમ કોર્ટનું ફરમાન 1 - image


Shambhu Border Farmer Dispute: સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. સોમવારે આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે, પંજાબ અને હરિયાણાને જોડતી શંભુ બોર્ડર મહિલાઓ અને બાળકો માટે ખોલવી જોઈએ.

આ ઉપરાંત એમ્બ્યુલન્સ, આવશ્યક સેવાઓ અને સ્થાનિક મુસાફરોની અવરજવર માટે શંભુ બોર્ડર પર રસ્તો આંશિક રીતે ખોલવાની જરૂર છે. કોર્ટે પંજાબ સરકારને ખેડૂતો સાથે વાત કરવા અને તેમને શંભુ બોર્ડર પરથી ટ્રેક્ટર હટાવવા માટે સમજાવવા પણ કહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શંભુ બોર્ડર પર ટ્રેક્ટર સાથે વિરોધ કરી રહેલા ખેડૂતો પર તીખી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઇવે વાહનો પાર્ક કરવા માટે નથી. બેન્ચે પંજાબ સરકારને શંભુ બોર્ડર પરના હાઇવેના રસ્તા પરથી ટ્રેક્ટર હટાવવા માટે વિરોધ કરી રહેલા ખેડૂતોને સમજાવવા જણાવ્યું છે.

કોર્ટે પંજાબ, હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને શંભુ બોર્ડર પરના રસ્તાઓ આંશિક રીતે ફરીથી ખોલવા માટે એક સપ્તાહમાં પડોશી જિલ્લાઓના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને સોલ્યુશન લાવવા આદેશ આપ્યો છે.

આ દરમિયાન, બેન્ચે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા માટે પ્રસ્તાવિત સમિતિ માટે બિન-રાજકીય નામ સૂચવવા બદલ પંજાબ અને હરિયાણા સરકારની પ્રશંસા પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાત કરવા માટે રચવામાં આવનાર સમિતિની શરતો પર આગામી સમયમાં સંક્ષિપ્ત આદેશ આપશે.




Google NewsGoogle News