શક્સગામ ઘાટી ક્યાં આવી છે? ચીન અહીં રસ્તો બનાવી રહ્યું છે, ભારતે ઉઠાવ્યો છે સખત વાંધો

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
શક્સગામ ઘાટી ક્યાં આવી છે? ચીન અહીં રસ્તો બનાવી રહ્યું છે, ભારતે ઉઠાવ્યો છે સખત વાંધો 1 - image

India-China Shaksgam Valley Controversy : ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ યથાવત્ છે, ત્યારે બંને દેશો વચ્ચે તાજેતરમાં જ સરહદ મુદ્દે વધુ એક વિવાદ ચગ્યો છે. ચીને શક્સગામ ખીણમાં નિર્માણ કાર્ય શરૂ કરી ફરી ભારતને છંછેડવાનો પ્રયાસ કર્યો છે, તો બીજીતરફ આ મુદ્દે ભારતે પણ વાંધો ઉઠાવ્યો છે. શક્સગામ ખીણની જમીન પર સ્થિતિ બદલવાના ડ્રેગનના પ્રયાસનો ભારતે જોરદાર વિરોધ કર્યો છે. 

શક્સગામ ખીણ ભારતની, છતાં ચીનને સોંપવાનો પાકિસ્તાનનો પ્રયાસ

ચીન સિયાચીન ગ્લેશિયર (Siachen Glacier) પાસે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pakistan-Occupied Kashmir) પાસે આવેલી શક્સગામ ખીણમાં ગેરકાયદે રોડ બનાવી રહ્યું છે. પરંતુ ભારત શક્સગામ ખીણને પોતાનો ભાગ માને છે. વાસ્તવમાં ચીન અને પાકિસ્તાન વચ્ચે 1963માં સરહદ કરાર થયા હતા, જેને ભારતે ક્યારેય સ્વિકાર્યો નથી, પરંતુ તેમ છતાં ઈસ્લામાબાદે આ કરાર હેઠળ શક્સગામને ચીનને સોંપવાનો ગેરકાયદેસર પ્રચાર કર્યો હતો.

ભારત-ચીન યુદ્ધ બાદ શક્સગામ પાકિસ્તાને ડ્રેગનનો સોંપ્યું

શક્સગામ ખીણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો ભાગ છે. ભારત અને ચીન વચ્ચે 1962માં એક મહિનો અને એક દિવસ સુધી યુદ્ધ થયું હતું. તેના એક વર્ષ બાદ 1963માં પાકિસ્તાને શક્સગામને ચીનને સોંપી દીધું હતું. હાલ જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે, તેમાં ચીન શક્સગામ ખીણના નીચેના ભાગે રસ્તો બનાવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દાને સત્તાવાર સૂત્રોએ પણ સમર્થન આપ્યું છે. 

શક્સગામ ખીણનું આટલું બધુ મહત્વ કેમ ?

શક્સગામ ખીણ એ ભારત ક્ષેત્રના વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર તેમજ ચીન અને પાકિસ્તાન વચ્ચે આવેલો એક ભાગ છે. વર્ષ 2020માં પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ ભારતનું સિયાચિન પર નિયંત્રણ વધુ મહત્વનું બની ગયું છે. ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ખાસ કરીને પૂર્વીય લદ્દાખમાં મોટા પાયે સૈનિકોને તહેનાત કરવાની અને નિર્માણની કામગીરી શરૂ કરી દીધી છે, જેના કારણે દેપસાંગ અને દૌલત બેગ ઓલ્ડીમાં આવેલી ભારતીય ચોકીઓ પર ખતરો વધી ગયો છે.

શક્સગામમાં સામાન્ય માણસ તો ઠીક સેના માટે પણ પહોંચવું મુશ્કેલ

શક્સગામ ખીણ સિયાચીન ગ્લેશિયરની ઉત્તર પશ્ચિમ તરફ, બાલ્ટિસ્તાનની ઉત્તરે, ગિલગિટની પૂર્વમાં અને ચીનના શિનજિયાંગની દક્ષિણ તરફ આવેલી છે. દક્ષિણમાં કારાકોરમ પર્વતમાળા અને ઉત્તરમાં કુન લુન પર્વતમાળા વચ્ચે આવેલી શક્સગામ ખીણ વિશ્વની કેટલીક ઊંચી પર્વતોથી ઘેરાયેલી છે. આમ તો આ ખીણ ખૂબ જ દૂર આવેલી છે, અહીં સામાન્ય માણસ તો ઠીક સેના માટે પહોંચવું મુશ્કેલ છે. 

શક્સગામને અડીને આવેલી છે પાંચ દેશોની સરહદો

ભારત શક્સગામ ખીણને પોતાનો ભાગ માને છે, પરંતુ આ વિસ્તારને 1963થી ચીનના નિયંત્રણમાં છે. ત્યાં તેનું જ શાસન ચાલે છે. શક્સગામ ખીણ એવો વિસ્તાર છે, જ્યાં એક નહીં પાંચ-પાંચ દેશો સરહદો અડીને આવેલી છે. આ પાંચ દેશોમાં ભારત, પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે. એટલું જ નહીં અહીં શક્સગામ નદી હોવાથી તેનું વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. આ કારણે અહીં ચીને શરૂ કરેલા નિર્માણ કાર્યને મુદ્દે વિવાદ ઊભો થયો છે. કારણ કે જો ચીન LAC પર જે પ્રકારનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે તે જ પ્રકારનું અહીં પણ નિર્માણ કરશે તો તે ભારત માટે સતત મુશ્કેલી ઉભી કરી શકે છે.


Google NewsGoogle News