સંદેશખલીમાં શાહજહાં શેખની અંતે ૫૫ દિવસે ધરપકડ, ગુનો કબૂલ્યાનો દાવો

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
સંદેશખલીમાં શાહજહાં શેખની અંતે ૫૫ દિવસે ધરપકડ, ગુનો કબૂલ્યાનો દાવો 1 - image


- પ.બંગાળના સંદેશખલીમાં શોષિત મહિલાઓએ ઊજવણી કરી

- શાહજહાંને 10 દિવસની પોલીસ કસ્ટડી, સીબીઆઈ-એસઆઈટીને કેસ સોંપવા અંગે સોમવારે હાઈકોર્ટમાં સુનાવણી 

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર હુમલા અને સંદેશખલીમાં મહિલાઓના શોષણ તથા આદિવાસીઓની જમીન પચાવી પાડવાના માસ્ટરમાઈન્ડ શાહજહાં શેખની અંતે ૫૫ દિવસ પછી ધરપકડ  કરાઈ છે. કલકત્તા હાઈકોર્ટના આકરા વલણ પછી બંગાળ પોલીસે આખરે ગુરુવારે સવારે ઉત્તર ૨૪ પરગણાંમાંથી શાહજહાં શેખની ધરપકડ કરી હતી. તૃણમૂલ કોંગ્રેસે શાહજહાંની પક્ષમાંથી ૬ વર્ષ માટે હકાલપટ્ટી કરી હતી. તેની ધરપકડના સમાચારની સંદેશખલીમાં મહિલાઓએ ઊજવણી કરી હતી.

રાશન કૌભાંડમાં સંડોવણીના કેસની તપાસ કરવા આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ પર હુમલાના માસ્ટરમાઈન્ડ અને તૃણમૂલ નેતા શાહજહાં શેખ અને તેના સાથી અમીર અલી ગાઝીની ગુરુવારે ધરપકડ કરી હતી. ત્યાર પછી તેને બશીરહાટ કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં કોર્ટે તેને ૧૦ દિવસની પોલીસ અટકાયતમાં મોકલી દીધો છે. પોલીસે શાહજહાં શેખના સાથી અમીર અલીની ઓડિશાના રાઉરકેલાથી ધરપકડ કરી હતી. તેના પર છેલ્લા કેટલાક દિવસોમાં સંદેશખલીની મહિલાઓને ડરાવવા, ધમકાવવા અને મનરેગાના જોબકાર્ડધારકો પાસેથી નાણાં વસૂલવાનો આરોપ હતો.

શાહજહાં શેખને બશીરહાટ કોર્ટમાં રજૂ કરતાં પોલીસે રિમાન્ડ કોપીમાં જણાવ્યું હતું કે, શાહજહાંએ તપાસ અધિકારી સામે તેનો ગુનો કબૂલી લીધો છે અને ઈડી અધિકારીઓ પર હુમલાના કેસમાં સંડોવણી કબૂલી છે. તેમાં એમ પણ લખાયું છે કે શાહજહાં શેખ પ્રભાવશાળી છે અને જામીન પર છૂટતા તેના ભાગી છૂટવાની અને કેસના સાક્ષીઓને ધમકી આપવાની પૂરી સંભાવના છે.

શાહજહાં શેખની ધરપકડ પછી તૃણમૂલ કોંગ્રેસે ગુરુવારે છ વર્ષ માટે પક્ષમાંથી તેની હકાલપટ્ટી કરી છે. તૃણમૂલના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયને આ જાહેરાત કરી હતી. શાહજહાં શેખ સંદેશખલી વિધાનસભા ક્ષેત્રમાં તૃણમૂલનો સંયોજક હતો અને પક્ષના કબજાવાળા ઉત્તર ૨૪ પરગણા જિલ્લા પરિષદનો સભ્ય હતો.

કલકત્તા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાંને પહેલાં આત્મસમર્પણ કરવા કહ્યું હતું. પરંતુ તેણે તેમ નહીં કરતા પોલીસને સાત દિવસમાં ધરપકડ કરવા કહ્યું હતું. વધુમાં હાઈકોર્ટે શાહજહાં શેખની ધરપકડ કરવા માટે ઈડી અને સીબીઆઈ સ્વતંત્ર હોવાનું બુધવારે જણાવ્યું હતું. તેના બીજા જ દિવસે પોલીસે ઉત્તર ૨૪ પરગણાના મિનાખાન વિસ્તારમંથી શાહજહાં શેખની ધરપકડ કરી હતી.

દરમિયાન કલકતા હાઈકોર્ટે ગુરુવારે કહ્યું કે તે શાહજહાં વિરુદ્ધ મહિલાઓ પર જાતીય શોષણ અને આદિવાસીઓની જમીન પચાવી પાડવાનો કેસ સીબીઆઈ અથવા એસઆઈટીને ટ્રાન્સફર કરવાના કેસની સુનાવણી સોમવારે કરશે. હાઈકોર્ટ તેની સુઓમોટો કેસની સુનાવણી સાથે જ તેની સુનાવણી કરશે. શાહજહાંની ધરપકડના સમાચાર મળતા જ સંદેશખલીમાં મહિલાઓએ રંગ લગાવી, હોળી રમી ઊજવણી કરી હતી. જોકે, ધરપકડ કરીને કોર્ટમાં લવાતી વખતે શાહજહાં જે રીતે કોઈપણ ડર વિના ચાલતો હતો તે જોઈને ભાજપે દાવો કર્યો હતો કે શાહજહાં શેખને મમતા બેનરજીનું સંરક્ષણ મળેલું છે અને તે પોલીસનો મહેમાન હોય તેવું જણાઈ રહ્યું છે. શાહજહાંની ધરપકડ ભાજપના દબાણથી કરાઈ છે. રાજ્યપાલ સીવી આનંદ બોસે કહ્યું કે, આ ધરપકડ શાહજહાં શેખના અંતની શરૂઆત છે. સંદેશખલીની ઘટનાઓના મુખ્ય આરોપીની ધરપકડે બધાની આંખો ખોલી દીધી છે.

શાહજહાંને તૃણમૂલે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો

શાહજહાં સામે 24 કેસ પેન્ડિંગ, વકીલ 10 વર્ષ સુધી વ્યસ્ત રહેશે : હાઈકોર્ટ

કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે કહ્યું કે શાહજહાં શેખ પ્રત્યે કોર્ટને કોઈ સહાનુભૂતિ નથી અને તેના વકીલને ૪ માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવા કહ્યું છે. શાહજહાં શેખના વકીલે કહ્યું કે તેની આગોતરા જામીન અરજી બે દિવસ પહેલાં ફગાવી દેવાઈ હતી અને ચાર અન્ય અરજીઓ હજુ પણ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. 

વકીલે આ કેસમાં તાત્કાલીક સુનાવણીની માગ કરતા મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવગણનમના અધ્યક્ષપદે બેન્ચે કહ્યું કે, કોર્ટને શેખ સાથે કોઈ સહાનુભૂતિ નથી. સોમવારે સંદેશખલીમાં મહિલાઓના કથિત જાતિય શોષણ અને આદિવાસીઓની જમીન પચાવી પાડવાના કેસની સુનાવણી થાય ત્યારે વકીલને હાજર થવા કહ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે, શાહજહાં શેખ સામે ૪૨ કેસ પેન્ડિંગ છે. શાહજહાંના વકીલ આગામી ૧૦ વર્ષ સુધી વ્યસ્ત રહેશે અને તેમને મોટી કાયદાકીય ટીમની જરૂર પડશે.


Google NewsGoogle News