સંભલ હિંસા : ઈન્ટરનેટ અને શાળાઓ બંધ રાખવા આદેશ, ઉપદ્રવીઓ પર NSA હેઠળ કાર્યવાહી
Sambhal Violence : સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન રવિવારે ભારે હિંસા થઈ હતી. હિંસામાં ત્રણ લોકોના મોત થયા. જણાવી દઈએ કે, કોર્ટના આદેશ પર રવિવારે જામા મસ્જિદમાં સર્વે શરૂ થતા જ લોકો આક્રોશમાં આવ્યા. મસ્જિદ બહાર એકઠી થયેલી ભીડે ભારે પથ્થરમારો કર્યો અને પોલીસ કર્મચારીઓના વાહનો આગ હવાલે કરી દીધા. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા.
અફવાઓ રોકવા માટે ઈન્ટરનેટ બંધ
ઉપદ્રવીઓના પત્થરમારામાં એસડીએમ, સીઓ, એસપીના પીઆરઓ સહિત 30થી વધુ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા. 20થી વધુ ઉપદ્રવીઓની પોલીસે ધરપકડ કરી છે. ઉપદ્રવીઓની ઓળખ કરાઈ રહી છે. ઘટના બાદ સંભલની બજાર બંધ છે. અફવાઓને રોકવા માટે ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે. હિંસા બાદ તંત્રએ 12 ધોરણ સુધીની તમામ શાળા બંધ કરવાના આદેશ આપ્યા છે. કમિશ્રનર આન્જનેય કુમાર અને ડીઆઈજી મુનિરાજજી સંભલમાં જ કેમ્પમાં રોકાયેલા છે.
હિંસા કરનારાઓ પર લાગશે NSA
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 2 મહિલાઓ સહિત 10 લોકોને કસ્ટડીમાં લેવાયા છે. આ હિંસાની તપાસ ચાલી રહી છે. કેટલાક લોકોએ રોડ કિનારે રાખેલી કેટલીક બાઈક્સને પણ આગ લગાવી દીધી. અમે તપાસ કરી રહ્યા છીએ કે ફાયરિંગ ક્યાંથી અને કોણે કર્યું, ખાસ કરીને દીપા સરાય વિસ્તારમાં. હિંસાના આરોપીઓ પર NSA હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
'પોલીસે ફાયરિંગ નથી કર્યું'
ત્રણ લોકોના મોત બાદ મુરાદાબાદના કમિશ્રનર આંજનેય કુમાર સિંહે ઘટના અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, પોલીસ તરફથી કોઈ ફાયરિંગ કરવામાં નથી આવ્યું અને કેટલાક લોકો અફવા ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ થશે તો સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
ઘટનાનું કારણ શું છે ?
કૈલાદેવી મંદિરના મહંત ઋષિરાજ ગિરી મહારાજે દાવો કર્યો છે કે, સંભલની જામા મસ્જિદ કથિત રીતે હરિહર મંદિર છે. ઋષિરાજ ગિરી મહારાજે તેને લઈને ગત દિવસોમાં સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને સર્વે કરાવવાની માગ કરી હતી. આ અરજી પર કોર્ટે સાત દિવસમાં સર્વે રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. જે આદેશ હેઠળ રવિવાર સવારે સર્વે માટે ટીમ જામા મસ્જિદ પહોંચી હતી. સર્વે ટિમને જોઈને લોકોનું ટોળું એકઠું થવા લાગ્યું. સર્વે બરાબર રીતે ચાલી રહ્યો હતો. આ દરમિયાન મસ્જિદની બહાર પહોંચેલા ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો. જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી.