ચોમાસું અડધું વીતી જવા છતાં 8 રાજ્યોમાં વરસાદની ભારે અછત, વાંચો IMDની લેટેસ્ટ અપડેટ
Image: Facebook
Monsoon Season: ચોમાસાની ઋતુ લગભગ અડધી વીતી ચૂકી છે અને ભારતમાં હવામાન સંબંધી 36 સબડિવીઝનમાંથી 25 ટકામાં ઓછો વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ(IMD)ના આંકડા અનુસાર જુલાઈમાં દેશમાં સામાન્ય એટલે કે 280.5 મિમીથી નવ ટકા વધુ વરસાદ થયો જે 306.6 મિમી છે. એક જૂનથી 445.8 મિમીના સામાન્ય વરસાદની સરખામણીએ 453.8 મિમી વરસાદ થયો, જે બે ટકા વધુ છે.
જુલાઈમાં વરસાદ અસમાન રહ્યો. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની વિસ્તારો અને પૂર્વોત્તરના અમુક ભાગોમાં ખૂબ ઘટાડો નોંધવામાં આવ્યો. હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદમાં ઘટાડો 35 ટકાથી 45 ટકા સુધી રહ્યો. આઈએમડીના આંકડા અનુસાર 13 સબડિવીઝનમાં સરેરાશથી વધુ વરસાદ, 14માં સામાન્ય અને 9માં ઓછો વરસાદ નોંધાયો.
પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદનો ઘટાડો 30 જૂને 13.3 ટકાથી વધીને 13 જુલાઈએ 19 ટકા થઈ ગયો તથા આ વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 752.5 મિની સામાન્ય વરસાદની સરખામણીએ 610.2 મિમી વરસાદ પડ્યો. ઉત્તર-પશ્ચિમ ભારતમાં જુલાઈમાં 182.4 મિમી વરસાદ પડ્યો જ્યારે સામાન્ય રીતે 209.7 મિમી વરસાદ પડે છે. જેમાં 13 ટકાનો ઘટાડો આવ્યો. આ વિસ્તારમાં આ સિઝનમાં અત્યાર સુધી 235 મિમી વરસાદ પડ્યો જ્યારે સામાન્ય રીતે 287.8 મિમી વરસાદ પડે છે એટલે કે 18 ટકાનો ઘટાડો આવ્યો છે.
આંકડા અનુસાર મધ્ય ભારતમાં જુલાઈમાં સામાન્યથી 33 ટકા વધુ એટલે કે 427.2 મિમી વરસાદ પડ્યો જ્યારે સામાન્ય રીતે 321.3 મિમી વરસાદ પડે છે. આ વિસ્તારમાં આ સિઝનમાં અત્યાર સુધી 574.2 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે સામાન્ય રીતે 491.6 મિમી વરસાદ પડે છે. દક્ષિણી ભારતીય દ્વીપ પ્રદેશમાં જુલાઈમાં 36 ટકા વધુ એટલે કે 279.2 મિમી વરસાદ પડ્યો જ્યારે સામાન્ય રીતે 204.5 મિમી વરસાદ પડે છે. કુલ મળીને આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી 463.1 મિમી વરસાદ પડ્યો, જ્યારે સામાન્ય રીતે 365.5 મિમી વરસાદ પડે છે. આ પ્રકારે 27 ટકા વધુ વરસાદ પડ્યો.