કાશ્મીરમાં હાડ થીજવતી ઠંડી, યુપીમાં પારો 5 ડિગ્રીનો ઘટાડો, ઉત્તર ભારતમાં લોકો ઠુઠવાયા
Weather News Updates | સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવર્તામાં વૃદ્ધિ જોવા મળી હતી. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં નવેસરથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાચં ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.
રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં પણ ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના ટુરિસ્ટ રિસોર્ટ ગુલમર્ગમાં માઇનસ 11.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાના બેઇઝ ગણાતા પહલગામમાં માઇનસ 8.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. શ્રીનગરમાં માઇનસ 3.5, કાઝીગંદમાં માઇનસ 7.5, દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં માઇનસ 5.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
હવામાન વિભાગે નવા વર્ષના પ્રથમ દિવસે અને સપ્તાહના અંતમાં બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીર હાલમાં 40 દિવસના ચિલ્લાઇ કલન સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. જેની શરૂઆત 21 ડિસેમ્બરથી થઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના ૫૦થી વધુ જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.
હરિયાણાના નરનોલમાં લઘુતમ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. પંજાબમાં ભટિન્ડા પાંચ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.