RSSના કાર્યક્રમમાં ચાકૂબાજી, પિતા-પુત્રએ કર્યો હુમલો, 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં તંત્રમાં દોડધામ
Attack on RSS Program in Jaipur | રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ચપ્પાં અને દંડા વડે હુમલો કરવામાં આવતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી રહી છે. આ હુમલો ગુરુવારે મોડી રાતે શરદ પૂર્ણિમાના અવસરે જયપુરમાં કરણી વિહાર વિસ્તારમાં ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન કરાયો હતો. જેમાં ચપ્પા અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે. આ હુમલામાં સાતથી આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હનુમાન ચાલીસાનો વિરોધ કર્યો હતો
જયપુરના શિવ મંદિરમાં સંઘનો ખીર ઉત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન સંઘના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જ્યારે પાડોશમાં રહેતા એક વ્યક્તિએ તેમનો વિરોધ કર્યો તો સંઘ કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસા શરૂ કરી દીધું. ત્યારપછી સંઘના કાર્યક્રમમાં પિતા-પુત્ર આવ્યા અને હુમલો શરૂ કરી દીધો હતો. જેમાં સંઘના 7-8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વિરોધ બાદ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નિમ્બાર્ક નગરના સંઘ કાર્યકર્તાઓ શરદ પૂર્ણિમા પર્વની ઉજવણી કરી રહ્યા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા, જેના પગલે કાયદો અને વ્યવસ્થાને નિયંત્રણમાં રાખવા માટે કરણી વિહારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું.