ઉત્તરાયણના પર્વે દોરી બની ઘાતક! સાત વર્ષના કિશોરનું દોરીથી ગળુ કપાતા મોત, ધાબા પરથી પટકાતા યુવકે જીવ ગુમાવ્યો
ગુજરાતમાં પતંગ દોરી વાગવાની અને અકસ્માતની વિવિધ ઘટનાઓ સામે આવી છે
Uttarayan in Gujarat: ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવાના ઉત્સાહમાં તકેદારી રાખવામાં નાનકડી ક્ષતિ રહી જાય તો પોતાને અથવા અન્ય વ્યક્તિને ઈજા પહોંચે તેની સંભાવના વધી જાય છે. આજે રાજ્યમાં દોરી વાગવાની અને અકસ્માતની વિવિધ ઘટનાઓ ઘટી છે જેમાં લોકો મૃત્યુ પામ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે. પંચમહાલના બોરડી ગામના સાત વર્ષના કિશોરનું પતંગની દોરીથી ગળુ કપાતા મોત નીપજ્યું હતું.
રાજ્યમાં ઉત્તરાયણ પર્વ પર અકસ્માતની વિવિધ ઘટનાઓ
પંચમહાલમાં સાત વર્ષ તરુણ માછી નામના કિશોરને તેના પિતા મામાને ત્યાંથી બોરડી ગામે લઈને આવતા હતા, ત્યારે વાળીનાથ પાસે તરૂણના ગળામાં પતંગની દોરી આવી જતા તેનું ગળુ કપાતા મોત નીપજ્યું છે. વડોદરાના અમોદર ગામે વકીલને પગમાં દોરી ફસાઈ હતી, જેના કારણે તેમણે બાઈક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાતા નીચે પટકાતા મોત થયું હતું.
રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં આવેલી મનહર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય યુવકનું ધાબા પરથી પડી જતા તેનું મોત નીપજ્યું હતું. જેતપુરમાં જાગૃતિ નગરમાં રહેતા 40 વર્ષીય યુવક સંતોષ સીતારામ યાદવને ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. યુવકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મિલન પોન્ટ પર બાઈક પર જતા 51 વર્ષીય કૃષ્ણ મોહન નામના વ્યક્તિને દોરી વાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે પંતગ પકડવા જતા અલગ અલગ પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી, આ તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.