દિલ્હીમાં તંત્રનું ભોપાળુંઃ ખુલ્લી ગટરને પૂંઠાથી ઢાંકી, પગ મૂકતાં જ સાત વર્ષનું બાળક ગરકાવ

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
દિલ્હીમાં તંત્રનું ભોપાળુંઃ ખુલ્લી ગટરને પૂંઠાથી ઢાંકી, પગ મૂકતાં જ સાત વર્ષનું બાળક ગરકાવ 1 - image


Image Source: Twitter

Seven Year Old Boy Fell Into Manhole In Delhi: દિલ્હીમાં MCDની બેદરકારીનો એક મામલો સામે આવ્યો છે. જેમાં એક સાત વર્ષના બાળકનો માંડ-માંડ જીવ બચ્યો છે. સાઉથ દિલ્હીના પબ્લિક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો બાળક શુક્રવારે ડિફેન્સ કોલોનીના બ્લોક ડીમાં પૂંઠા વડે ઢાંકેલી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. સવારે લગભગ 8:00 વાગ્યે બાળકના પિતા તેને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. તેમની સાથે તેની માતા અને નાની બહેન પણ હતી. 

બાળક જ્યારે સ્કૂલની બહાર કારમાંથી નીકળ્યો તો અજાણતાં જ પોતાનો પગ એક કાર્ડબોર્ડ શીટ પર મૂકી દીધો, તેની નીચે મેનહોલ હતો. વજન પડતાંની સાથે જ કાર્ડબોર્ડ તૂટી ગયું અને બાળક મેનહોલમાં પડી ગયો. આજુબાજુ ઊભેલા લોકો અને બાળકના માતા-પિતા તાત્કાલિક એક્શનમાં આવ્યા અને તેઓ સીવરથી બાળકને બચાવવામાં સફળ રહ્યા. બાળકને તાત્કાલિક એઇમ્સ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

બાળકના પિતા જેઓ એક બૅંક કર્મચારી છે તેમણે જણાવ્યું કે, મેનહોલનું ઢાંકણું એ જ સ્થાન પર એક બાજુ રાખી દેવામાં આવ્યું હતું અને ખુલ્લા હિસ્સા પર એક કાર્ડબોર્ડ કવર લગાવી દેવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં બાળકના પિતા આ દુર્ઘટના માટે MCDને જવાબદાર ઠેરવતાં નજર આવી રહ્યા છે. તેમણે શહેરના મેનહોલના ઑડિટ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, MCDના અધિકારી આ દુર્ઘટનાની જવાબદારી લે. 

બાળકના પિતાએ કહ્યું કે, જો કોઈ વૃદ્ધ પુરુષ કે મહિલા મેનહોલમાં પડી ગયા હોત તો શું થાત? આ ઘટના માટે કઈ સત્તાને જવાબદાર ઠેરવવી જોઈએ? પોલીસે જણાવ્યું કે બાળકના માતા-પિતા તરફથી તેમને હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. ગાઝીપુર વિસ્તારમાં નિર્માણાધીન ગટરમાં પડી જવાથી એક મહિલા અને તેના પુત્રના મોતના થોડા દિવસો બાદ આ ઘટના બની છે.


Google NewsGoogle News