સાત પાછા આવ્યા પણ 75 દિવસથી કતારમાં જ છે નેવીના એક પૂર્વ અધિકારી, ઈંતેજારમાં આંસુ વહાવે છે 85 વર્ષની જનેતા
Image: Facebook
Ex Indian Navy Officer: કતારે થોડા દિવસ પહેલા ભારતીય નેવીના આઠ પૂર્વ અધિકારીઓને મુક્ત કર્યાં હતા. તેમાંથી માત્ર સાત જ ભારત પાછા આવી શક્યા હતા. છેલ્લા અઢી મહિનાથી કમાન્ડર પૂર્ણેંદુ તિવારીના 85 વર્ષીય માતા દરરોજ પોતાના પુત્ર સાથે વાત કરે છે. દરરોજ તે એક જ પ્રશ્ન કરે છે કે આખરે તે પાછો ક્યારે આવશે. તેના જવાબમાં પૂર્ણેંદુ હંમેશા કહે છે કે ટૂંક સમયમાં. જોકે અત્યાર સુધી કોઈ અપડેટ આવ્યું નથી કે સૌથી વરિષ્ઠ અને કતારમાં બાકી રહેલા એકમાત્ર પૂર્વ નેવી અધિકારી દોહાથી આખરે ક્યારે પાછા ફરશે. એક વિલંબિત મામલાના કારણે તેમને યાત્રા પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમના બાકી સહયોગી 12 ફેબ્રુઆરીએ ભારત પાછા આવ્યા હતા પરંતુ તેમને પાછા ફરવાથી રોકી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ત્યારથી વિલંબિત મામલાને લઈને તેમની કોઈ પૂછપરછ થઈ નથી. કમાન્ડર તિવારીને ત્યાં રોકાયે 75 દિવસથી વધુ થઈ ગયા છે. જ્યારે બાકી અન્ય લોકો પાછા આવી ગયા છે. તેમની 80 વર્ષની માતાની તબિયત બગડી રહી છે.
પરિવારને આશા
કતારથી પાછા ફરેલા પૂર્વ નેવીના અધિકારીઓ અને કમાન્ડર તિવારીના પરિવારજનોને આશા છે કે યાત્રા પ્રતિબંધ હટાવી દેવામાં આવશે, જેનાથી તેમને વાપસીની પરવાનગી મળશે. કમાન્ડર તિવારીને દોહામાં પોતાના એપાર્ટમેન્ટમાં રહેવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ તેમના નજીકના લોકોનું કહેવું છે કે આ ઘરે પાછા ફરવા જેવુ નથી. ભારતે સત્તાવાર પુષ્ટિ કરી નથી કે તે ક્યારે પાછા ફરશે પરંતુ વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમુક જરૂરિયાતોને પૂરી કરવી પડશે અને તે બાદ જ વાપસી થઈ શકશે.
શું છે સમગ્ર મામલો
કતારથી તમામ આઠ પૂર્વ નેવી અધિકારીઓની મુક્તિ ભારતની એક મોટી ડિપ્લોમેટિક જીત માનવામાં આવે છે. ફેબ્રુઆરીમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી સાત ઘર વાપસી કરી ચૂક્યા છે. આ તમામની 30 ઓગસ્ટ 2022એ કતારમાં આંતરિક મંત્રાલય તરફથી ધરપકડ કરવામાં આવી હતી. આ લોકોને કતારમાં મોતની સજા સંભળાવાઈ હતી, જે બાદમાં ઘટાડી દેવાઈ હતી. પીએમ મોદીના હસ્તક્ષેપથી આ તમામની સુરક્ષિત વાપસી નક્કી થઈ શકી. ભારતે આ નિર્ણય માટે કતારના અમીરના વખાણ કર્યાં હતા.