Get The App

જરૂરિયાતમંદોની સેવા સૌથી શ્રેષ્ઠ લાગણી, ચુકાદાઓથી કોઈને ઠેસ પહોંચી હોય તો મિચ્છા મિ દુક્કડં : સીજેઆઇ

Updated: Nov 9th, 2024


Google NewsGoogle News
જરૂરિયાતમંદોની સેવા સૌથી શ્રેષ્ઠ લાગણી, ચુકાદાઓથી કોઈને ઠેસ પહોંચી હોય તો મિચ્છા મિ દુક્કડં : સીજેઆઇ 1 - image


- અંધા કાનૂનની આંખો ખોલનારા દેશના મુખ્ય ન્યાયાધીશનો અંતિમ ભાવુક દિવસ

- માએ કહેલું 'તારું નામ ધનંજય જરૂર છે પરંતુ ધનનો અર્થ ભૌતિક સંપત્તિ નહીં જ્ઞાાન સમજવો : ચંદ્રચૂડ

નવી દિલ્હી: દેશના ૫૦માં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડનો સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે અંતિમ દિવસ હતો, પોતાના નિવૃત્તિના સંબોધનમાં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ ભાવુક થઇ ગયા હતા. આગામી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ જે બી પારડીવાલા, મનોજ મિશ્રા સાથેની ઔપચારિક વિદાય બેંચની આગેવાની લેનારા ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોની સેવાથી શ્રેષ્ઠ બીજી કોઇ જ લાગણી ના હોઇ શકે. મારા કાર્યકાળ દરમિયાન જો મે કોઇની પણ લાગણી દુભાવી હોય તો હું માફી માગું છું.

સુપ્રીમના ન્યાયાધીશો, દેશના એટર્ની જનરલ, સોલિસિટર જનરલ, બાર અસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલની હાજરીમાં મુખ્ય ન્યાયાધીશના પદેથી વિદાયલ લેતી વેળાએ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે મે ન્યાય કરવાની અને પક્ષકારોના વકીલોને પોતાની દલીલો રજુ કરવાની પુરી તક આપી છે તેમ છતા મારા વલણથી કોઇને ઠેસ પહોંચી હોય તો મને માફ કરજો. પોતાના અંતિમ સંબોધનમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે મિચ્છામી દુક્કડં શબ્દનો પ્રયોગ કર્યો જેનો અર્થ થાય છે મે જે કઇ ખોટુ કર્યુ હોય તેનો અંત આવે. આ કહેવતનો ઉપયોગ કરીને તેમણે કહ્યું કે જો મે કોર્ટમાં કોઇને પણ ઠેસ પહોંચાડી હોય તો મને માફ કરવામાં આવે. એવા લોકોના જીવનમાં બદલાવ લાવવાની તક મળી જેમને હું ક્યારેય મળ્યો નથી. 

તેમણે આ સાથે જ આગામી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મને સંતોષ છે કે હું ન્યાયપાલિકાને એક સક્ષમ નેતૃત્વના હાથમાં સોંપીને જઇ રહ્યો છું.

બાળપણમાં મારી માતાએ મને કહ્યું હતું કે તારુ નામ ધનંજય રાખવામાં આવ્યું છે, ધનંજયના ધનનો અર્થ ભૌતિક સંપત્તિ નથી, હું ઇચ્છું છું કે તુ જ્ઞાાન પ્રાપ્ત કરે, મારા પિતાએ પૂણેમાં એક નાનો ફ્લેટ ખરીદ્યો હતો તે સમયે મને કહ્યું હતું કે આ ફ્લેટને હંમેશા સાચવજે, જ્યારે તને એમ લાગે કે તારી નૈતિકતા કે બૌદ્ધિક ઇમાનદારી સાથે સમજૂતી થઇ રહી છે ત્યારે તને યાદ રહેવુ જોઇએ કે તારા માથે છત છે. 

ક્યારેય પણ એવુ વિચારીને પોતાના સિદ્ધાંતોની સાથે સમજૂતી નહીં કરવાની કે મારુ પોતાનું ઘર નથી. સુપ્રીમ કોર્ટના ૫૦માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ધનંજય યશવંત ચંદ્રચૂડે શુક્રવારે કોર્ટના અંતિમ દિવસે કુલ ૪૫ કેસોની સુનાવણી કરી હતી, જ્યારે પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ૧૨૭૪ બેંચમાં સામેલ થયા અને ૬૧૨ ચુકાદા લખ્યા. તેઓએ મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી વધુ ચુકાદા લખ્યા. સીજેઆઇ ચંદ્રચૂડનો કાર્યકાળ ૧૦ તારીખે પુરો થાય છે, તે જ દિવસે દેશના ૫૧માં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ સંજીવ ખન્ના પદ સંભાળશે.

- મને ટ્રોલ કરનારા હવે બેરોજગાર થઇ જશે ઃ ચંદ્રચૂડનો કટાક્ષ

નવી દિલ્હી: રવિવારે નિવૃત્ત થનારા દેશના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે પોતાના ભાષણમાં ટ્રોલર્સને ટ્રોલ કરી નાખ્યા હતા, તેમણે કહ્યું હતું કે હું કદાચ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ટ્રોલ થનારો જજ હોઇશ, મને વિચાર આવે છે કે હવે સોમવારથી આ ટ્રોલર્સ શું કરશે? તેઓ બેરોજગાર થઇ જશે. બશીર બદ્રનો શેર ટાંકીને ચંદ્રચૂડે કહ્યું હતું કે મુખાલિફત સે મિરી શખ્સિયત સંવરતી હૈ, મૈં દુશ્મનોં કા બડા એહતિરામ કરતા હું.

- સીજેઆઇ ચંદ્રચૂડે આપેલા મહત્વના ચુકાદા

૨૦૧૯માં અયોધ્યાના મામલામાં ચુકાદો આપનારા પાંચ ન્યાયાધીશોમાં સામેલ ડી. વાય. ચંદ્રચૂડે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા હતા. વન રેંક વન પેંશન, મદરેસા મામલો, સબરીમાલા મંદિર વિવાદ, સીએએ-એનઆરસી જેવા મામલાની સુનાવણી કરી, લોકસભાની ચૂંટણી પૂર્વે જ તેમની આગેવાનીમાં ગઠીત બેંચે ઇલેક્ટોરલ બોન્ડની કેન્દ્રની યોજનાને રદ કરી દીધી હતી, સજાતિય લગ્નોને કાયદેસર માન્યતા આપવાની ના પાડી દીધી હતી, મહિલા સૈન્ય અધિકારીઓને સૈન્યમાં કાયમી કમીશન આપવા આદેશ કર્યો હતો, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના કેન્દ્રના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યો હતો.


Google NewsGoogle News