Get The App

સરપંચે કરી કમાલ! વિકલાંગ વ્યક્તિને પેન્શન લેવામાં અગવડતા ન પડે તે માટે ડ્રોન દ્વારા સેવા આપી

સરપંચે ટેક્નોલોજીનો ઉપયોગ કરી, વિકલાંગ વ્યક્તિની વ્યથાને દૂર કરી

ડ્રોન દ્વારા પેન્શન ડિલિવરીએ ભારતમાં પ્રથમ પહેલ

Updated: Feb 21st, 2023


Google News
Google News
સરપંચે કરી કમાલ! વિકલાંગ વ્યક્તિને પેન્શન લેવામાં અગવડતા ન પડે તે માટે ડ્રોન દ્વારા સેવા આપી 1 - image

Image: Twitter 



ઓરિસ્સાના નુઆપાડા જિલ્લાના એક ગામમાં હેતારામ સતનામી નામનો એક વિકલાંગ રહે છે. જેને દર મહિને સરકારી પેન્શન મેળવવા તેના ઘરેથી લગભગ 2 કિલોમીટર દૂર જવું પડતું હતું. તેની આ કરુણામય પરિસ્થિતિ ગામના સરપંચના ધ્યાને આવી હતી. ગામના સરપંચે ટેક્નોલોજીનો ઉપયોગ કરી અને તે વિકલાંગ વ્યક્તિની આ વ્યથાને દૂર કરી હતી. ગામના સરપંચ સરોજ દેવી અગ્રવાલે એક ડ્રોન મારફતે ભાલેશ્વર પંચાયત વિસ્તારના ભુતકપાડા ગામમાં પેન્શન પહોંચાડ્યું હતું.

આ ક્ષણે હેતારામ સતનામીએ કહ્યું કે, સરપંચે ડ્રોનની મદદથી પૈસા મોકલ્યા તે મારા માટે આ એક મોટી મદદ છે કારણ કે પંચાયત કચેરી ગામથી 2 કિમી દૂર છે અને ગાઢ જંગલો વચ્ચે આવેલી છે. મારા માટે ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ બનતું હતું.

સરપંચ સરોજ અગ્રવાલે કહ્યુ કે, વિકલાંગ વ્યક્તિ હેતારામ સતનામીની આ દુખદાયક પરિસ્થિતિ સાંભળ્યા પછી તેમણે ઓનલાઇન એક ડ્રોન ખરીદ્યુ હતુ. સરપંચે કહ્યુ, અમારા પંચાયત વિસ્તારમાં જંગલમાં ભૂટકપાડા ગામ આવેલુ છે. આ ગામમાં હેતારામ સતનામી રહે છે, તે જન્મથી જ ચાલી શકતા નથી. ગાઢ જંગલમાંથી પસાર થઇને પેન્શન મેળવવા માટે તેમણે ગામથી બે કિલોમીટર દૂર આવવું પડતુ હતું.

સરપંચે કહ્યું કે, રાજ્ય યોજના હેઠળ પેન્શન માટે તેમનું નામાંકન કરવામાં આવ્યું છે. મેં જોયું છે કે અન્ય દેશોમાં ડ્રોન દ્વારા વસ્તુઓ કેવી રીતે મોકલવામાં આવે છે. તેથી મેં ડ્રોન માટે ઓર્ડર આપ્યો અને પેન્શન તેમના ઘરઆંગણે પહોંચાડવામાં મદદ કરી હતી.

ડ્રોન દ્વારા પેન્શન ડિલિવરીએ ભારતમાં પ્રથમ પહેલ
આપાડાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર સુબેદાર પ્રધાને જણાવ્યું હતું કે, સરપંચ સરોજ અગ્રવાલની પહેલને કારણે આ શક્ય બન્યું છે કારણ કે સરકાર પાસે સેવાઓ પહોંચાડવા માટે આવા સાધનો ખરીદવાની જોગવાઈ નથી. દવા, પાર્સલ, કરિયાણા અને ખાદ્યપદાર્થો સહિત વિવિધ સામાન પહોંચાડવા માટે વિશ્વભરમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પૈસાની ડિલિવરી ડ્રોન મારફતે તે ભારતમાં પ્રથમ પહેલ છે.

Tags :