મંકીપોક્સની પણ વૅક્સિન બનાવાશે, કોરોનાની રસી બનાવનારી સીરમ ઇન્સ્ટિટ્યુટની મોટી જાહેરાત
Image: IANS |
Serum Will Launched Vaccine for Mpox: વિશ્વના અનેક દેશોમાં મંકીપોક્સ વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મંકીપોક્સના કેસો શરુ થઈ ચૂક્યા છે. જેનો કહેર ભારતમાં વર્તાય તે પહેલાં જ કેન્દ્ર સરકાર- આરોગ્ય મંત્રાલય સાવચેતીના પગલાં સાથે ઍલર્ટ મોડ પર છે.
ડબ્લ્યુએચઓ દ્વારા આ બીમારીની ગંભીરતાને ધ્યાનમાં લેતાં ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે, બીજી બાજુ કોરોના વેક્સિન બનાવનારી દેશની સીરમ ઇન્સ્ટીટ્યુટે પણ મોટી જાહેરાત કરી વિશ્વને તેમાંથી ઉગારવાના માર્ગે રાહતના શ્વાસ આપ્યા છે. સીરમ ઇન્સ્ટીટ્યુટે જાહેરાત કરી છે કે, મંકીપોક્સના પ્રકોપને કારણે જાહેર ગ્લોબલ હેલ્થ ઇમરજન્સીને ધ્યાનમાં રાખતાં લાખો લોકોની મદદ માટે અમે એક વેક્સિન વિકસિત કરી રહ્યા છીએ. આશા છે કે, એક વર્ષની અંદર અમારી પાસે આ સંદર્ભે સારા સમાચાર હશે. ઉલ્લેખનીય છે, સીરમ ઇન્સ્ટીટ્યુટે કોરોનાની વેક્સિન બનાવી હતી.
MPOX શું છે?
મંકીપોક્સ એ એક વાયરલ રોગ છે જે મંકીપોક્સ વાયરસથી થાય છે, જે ઓર્થોપોક્સ વાયરસ જીન્સની એક પ્રજાતિ છે. 1958માં વાંદરાઓમાં 'પોક્સ' રોગ ફાટી નીકળ્યો ત્યારે વૈજ્ઞાનિકો દ્વારા આ વાયરસને સૌપ્રથમ ઓળખવામાં આવ્યો હતો.
કેવી રીતે ફેલાય છે મંકીપોક્સ?
મંકીપોક્સ એક વાયરલ ચેપ છે જે મુખ્યત્વે ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા પ્રાણીના સંપર્ક દ્વારા ફેલાય છે. એમપોક્સ ચેપગ્રસ્ત ત્વચા અથવા અન્ય જખમ જેમ કે મોં અથવા જનનાંગોના સીધા સંપર્ક દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં મોટાભાગના કેસો એવા લોકોમાં જોવા મળ્યા છે જેઓ ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં હતા. નિષ્ણાતો કહે છે કે આ ચેપ કપડાં અથવા લિનન જેવી દુષિત વસ્તુઓ, ટેટૂની દુકાનો, પાર્લર અથવા અન્ય જાહેર સ્થળોએ ઉપયોગમાં લેવાતી સામાન્ય વસ્તુઓના ઉપયોગથી પણ ફેલાય છે. ચેપગ્રસ્ત પ્રાણીઓના કરડવાથી, ખંજવાળ, ખાવાથી અથવા અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પણ વાયરસ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે.
જેમાં શરીર પર ફોલ્લીઓ થાય છે. આ ફોલ્લીઓ પરુ (સફેદ કે પીળું પસ ધરાવતી) ધરાવતી હોય છે. જેમાં તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો પણ સામેલ છે. લસિકા ગાંઠો પણ ફૂલી શકે છે કારણ કે તેઓ વાયરસ સામે લડવાનો પ્રયાસ કરે છે, અને ભાગ્યે જ કિસ્સાઓમાં વાયરસ જીવલેણ બની શકે છે. આનાથી સંક્રમિત વ્યક્તિ શરુઆતના લક્ષણોથી લઈને ફોલ્લીઓ દેખાય અને પછી ઠીક થઈ જાય ત્યાં સુધી ઘણા લોકોને ચેપ લગાવી શકે છે.