સિનિયર સિટીઝનને રૂ.1 લાખ સુધીના વ્યાજ પર TDS નહિ કપાય
- સિનિયર સિટીઝન માટે નવા બજેટમાં TDS-TCSના રેટ બદલ્યા : સિનિયર સિનિયર સિટીઝનને બેન્ક-કોઓપરેટીવ સોસાયટીમાં વ્યાજ ૫ર રાહત
- બેન્ક કે કોઓપરેટીવ સોસાયટી સિવાયના અન્ય કરદાતાઓ દ્વારા રૂ. 10,000થી વધુ ચૂકવણી કરવા પર જ કરકપાત કરવા પડશે
- શેરહોલ્ડર્સને આપવામાં આવતા ડિવિડંડની રકમ રૂ. 10,000થી વધુની હશે તો જ કરકપાત કરવી પડશે
અમદાવાદ : નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં ટેક્સ ડિડક્શન એટ સોર્સ અને ટેક્સ કલેક્શન એટ સોર્સના દરમાં ફેરફાર કરી દીધો છે. આમ ટીડીએસ કાપવાની લિમિટમાં ફેરફાર કર્યો છે.
સિનિયર સિટીઝનને જૂની જોગવાઈ મુજબ બેન્ક, કોઓપરેટીવ સોસાયટી દ્વારા રૂ ૫૦,૦૦૦ સુધીની વ્યાજની ચૂકવણી પર કોઈ જ ટીડીએસ કરવામાં આવતો નહોતો. હવે આ મર્યાદા વધારીને બેન્ક અને કોઓપરેટીવ સોસાયટી દ્વારા ચૂકવવામાં આવતા રૂ. ૧ લાખ સુધીના વ્યાજની ચૂકવણી પર કોઈ જ ટીડીએસ કરવાનો રહેશે નહિ. જોકે સિનિયર સિટીઝન સિવાયના ખાતેદારો માટે રૂ.૪૦,૦૦૦ સુધીના વ્યાજની ચૂકવણી પર ટીડીએસ કરવાની જોગવાઈ નહોતી. હવે આ જોગવાઈ સુધારીને રૂ. ૫૦,૦૦૦ સુધીની વ્યાજની ચૂકવણી પર કરકપાત ન કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
જૂની વ્યવસ્થા હેઠળ બેન્ક કે કોઓપરેટીવ સોસાયટી સિવાયના અન્ય કરદાતાઓ દ્વારા રૂ. ૫૦૦૦થી વધુ રકમની વ્યાજની ચૂકવણી કરવા પર કરકપાત કરવાની જોગવાઈ હતી. આ મર્યાદા વધારીને રૂ. ૧૦,૦૦૦ કરી દેવામાં આવી છે. આમ રૂ. ૧૦,૦૦૦ કે તેનાથી વધુ રકમની ચૂકવણી વ્યાજ પેટે કરનારને કરકપાત કરવા પડશે. સિક્યોરીટ પરના વ્યાજ પર કોઈ જ ટીડીએસ કરવામાં આવતો નહોતો. સિક્યોરિટીઝ પરના રૂ. ૧૦,૦૦૦ સુધીની વ્યાજની ચૂકવણી પર ટીડીએસ ન કરવાની છૂટ આપી છે. કંપનીઓ દ્વારા શેરહોલ્ડર્સને આપવામાં આવતા ડિવિડંડની રકમ રૂ. ૫૦૦૦થી વધુ હોય તો કરકપાત કરવી પડતી હતી. હવે આ મર્યાદા વધારીને રૂ. ૧૦,૦૦૦ કરી દેવામાં આવી છે.
કરદાતાને કમિશન કે દલાલીની રકમ પેટે ચૂકવવામાં આવતી રૂ. ૧૫૦૦૦થી વધુનીની રકમ પર ટીડીએસ કરવું પડતું હતું. હવે આ મર્યાદા વધારીને રૂ. ૨૦,૦૦૦ કરી દેવામાં આવી છે. અગાઉ પ્રોપર્ટીના ભાડાં પેટે વર્ષે રૂ. ૨.૪૦ લાખથી વધુની ચૂકવણી કરવામાં આવે તો કરદાતાએ ટીડીએસ કરવાની જવાબદારી નિભાવવી પડતી હતી. હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને માસિક રૂ. ૫૦,૦૦૦થી વધુ રકમની ચૂકવણી ભાડાં પેટે કરવામાં આવે તો તેના પર ટીડીએસ કરવાનો આવશે નહિ. આ જોગવાઈ મુજબ જો કરદાતાએ ત્રણ માસ માટે પ્રોપર્ટી ભાડે આપી હોય અને તેનું માસિક ભાડું રૂ. ૬૦,૦૦૦ ચૂકવવામાં આવ્યું હોય એટલે કે કરદાતાએ રૂ. ૧.૮૦ ચૂકવવામાં આવ્યું હોય તો આજે બજેટમાં થયેલી જાહેરાત મુજબ ભાડું આપનારે ટીડીએસ કરીને સરકારમાં જવાબદારી નિભાવવાની આવે છે.
આ જ રીતે વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર સહિતના પ્રોફેશનલ્સે વાર્ષિક રૂ. ૩૦,૦૦૦થી વધારે રકમની ચૂકવણી કરવામાં આવતી હોય તેવા સંજોગોમાં ટીડીએસ કરવાની જવાબદારી આવતી હતી. હવે આ ૩૦,૦૦૦ની મર્યાદા વધારીને રૂ. ૫૦,૦૦૦ કરી દેવામાં આવી છે. આખા વર્ષ દરમિયાન રૂ. ૫૦,૦૦૦થી વધુની ચૂકવણી થાય તો તેના પર ટીડીએસ કરવો પડશે.
ઊંચા દરે TDS-TCS નહિ કરવો પડે
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટમાં કરેલા સુધારા મુજબ રિટર્ન ન ફાઈલ કરનારા કરદાતાઓએ ચૂકવવા પાત્ર રકમ પર ઊંચા દરે ટીડીએસ-ટીસીએસ કરવો પડશે નહિ. જૂની જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિ રિટર્ન ફાઈલ ન કરતી હોય તો તેમને ચૂકવવામાં આવતી રકમ પર ટીડીએસ-ટીસીએસ ૨૦ ટકાના દરે ટીડીએસ-ટીસીએસ કરવો પડતો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિરેન ડી. શાહનું કહેવું છે કે કરદાતાઓને તેમાં પડતી તકલીફ અંગે રજૂઆત કરવામાં આવી હતી. સામેની વ્યક્તિ રિટર્ન ફાઈલ કરે છે કે નહિ તે જાણવું તકલીફ દાયક હતું. તેથી પ્રસ્તુત સુધારો કરીને પાનકાર્ડ ન ધરાવતી વ્યક્તિઓને ચૂકવવામાં આવતી રકમ પર ટીડીએસ-ટીસીએસ ઊંચા દરે કરવાની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આમ સામે વ્યક્તિ રિટર્ન ફાઈલ કરે છે કે નહિ તેની તપાસ કરવાની જવાબદારી ટીડીએસ-ટીસીએસ કરનારની રહેશે નહિ.
ડુપ્લિકેશન રદ કરીને જવાબદારી દૂર કરી
એક જ સોદા પર ટીડીએસ અને ટીસીએસ કરવાની જવાબદારી અંગે ગૂંચવાડો થતો હોવાથી વસ્તુઓનું વેચાણ રૂ. ૫૦ લાખથી વધી જાય તો કલમ ૨૦૬સી (૧એચ) હેઠળ ટીસીએસ કરવાની જવાબદારી કાઢી નાખવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ અત્યારે રૂ. ૫૦ લાખથી વધુ રકમનો માલ એક વ્યક્તિને વર્ષ દરમિયાને વેચે તો કલમ ૨૦૬સી-(૧એચ) તો તેના પર ૧૦ પૈસાને દરે ટીસીએસ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ જ રીતે કલમ ૧૯૪ક્યૂ હેઠળ કોઈપણ ખરીદનાર રૂ. ૫૦ લાખથી વધુની ખરીદી કરે ત્યારે તેણે ૧૦ પૈસાના દરે ટીડીએસ કાપવો પડતો હતો.