સિનિયર સિટીઝન્સને ફરી મળશે રેલવે ભાડામાં છૂટ? જાણો કેન્દ્રીય મંત્રી શું બોલ્યાં
ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકોને ભાડામાં વિશેષ છૂટ આપતી હતી, જે છેલ્લા કેટલાક વર્ષોથી બંધ છે
Indian Railway: દેશના વરિષ્ટ નાગરિકોને રેલવેના ભાડામાં અપાતી છૂટ ઘણાં સમયથી બંધ છે. જેને ફરી શરૂ કરવાનો મુદ્દો લોકસભા અને રાજ્યસભા બંનેમાં ઉઠાવવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકારે વરિષ્ટ નાગરિકોને રેલવેના ભાડામાં અપાતી છૂટ અંગે મોટું અપડેટ આપ્યું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામની સમીક્ષા કરવા અમદાવાદની મુલાકાતે હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીને વરિષ્ઠ નાગરિકો અને માન્યતા પ્રાપ્ત પત્રકારોને રેલવે ભાડામાં આપાતી છૂટ અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેમણે કહ્યું કે,'તમામ રેલવે મુસાફરોને ભાડામાં પહેલેથી જ 55 ટકા છૂટ મળી રહી છે.'
કોરોના પહેલા રેલવે ભાડામાં છૂટ મળતી હતી
વરિષ્ઠ નાગરિકો અને માન્યતા પ્રાપ્ત પત્રકારોને કોરોના પહેલા રેલવે ભાડામાં 50 ટકા વિશેષ છૂટ મળતી હતી. કોરોના મહામારીમાં દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેનોના પૈડા પણ થંભી ગયા હતા. રેલવે સેવાઓ ધીમે ધીમે શરૂ કરવામાં આવી અને જૂન 2022માં સંપૂર્ણપણે શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, જ્યારે રેલવે કામગીરી ફરીથી સામાન્ય થઈ ગઈ, ત્યારે વરિષ્ઠ નાગરિકો અને માન્ય પત્રકારોને આપવામાં આવતી ભાડાની છૂટ બંધ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર ઘણી વખત પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે, જે દર્શાવે છે કે વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં ભાગ્યે જ કોઈ છૂટ મળશે. રેલવે મંત્રીએ આ વખતે પણ સરકારની એ જ તર્કને રિપીટ કર્યું હતું. અગાઉ અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘જો કોઈપણ રૂટ પર ટ્રેનની ટિકિટની કિંમત 100 રૂપિયા હોય તો રેલવે દ્વારા માત્ર 45 રૂપિયા લેવામાં આવે છે, એટલે કે 100 રૂપિયાની ટિકિટ પર દરેક યાત્રીને 55 રૂપિયા છૂટ આપવામાં આવે છે.’