પરિવારવાદ વિરુદ્ધ બણગાં ફૂંકતી ભાજપ અસમંજસમાં, મોટા નેતાઓ પુત્ર-પુત્રીઓ માટે માંગી રહ્યા છે ટિકિટ
Haryana Senior BJP Leaders Wants Tickets For Childrens : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વિતરણને લઈને ભાજપ માટે મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભાજપના ત્રણ વરિષ્ઠ નેતાઓ તેમના બાળકો માટે ટિકિટ મળવાની ઈચ્છા રાખવાથી ભાજપની ચિંતા વધી છે. તેવામાં જો ભાજપ દ્વારા આ નેતાઓના સંતાનોને ટિકિટ આપવાની ના પાડશે તો ભાજપને આ દિગ્ગજ નેતાની નારાજગીનો સામનો કરવાની સાથે તેનું પરિણામ ભોગવવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. પરંતુ જો ભાજપ તેમને ટિકિટ આપશે તો તેમના પર પારિવારિક રાજકારણ કરવાનો આરોપ લાગવા સહિત આને લઈને અનેક સવાલનો જવાબ આપવાની નોબત આવશે.
ભાજપમાં પરિવારવાદ?
આ બધા વચ્ચે એ યાદ કરાવવું જરૂરી છે કે, છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિવારવાદના નામે કોંગ્રેસ અને અનેક વિપક્ષી પાર્ટીઓને સતત ઘેરી રહ્યાં છે. ત્યારે ભાજપના નેતાઓ કહે છે કે, કોંગ્રેસ, એસપી, આરજેડી, ડીએમકે જેવી મોટી વિરોધી પાર્ટીઓ પરિવારવાદના રાજકારણનું ઉદાહરણ છે. પરંતુ ભાજપે અનેક રાજ્યોમાં પોતાના મોટા નેતાઓના સંતાનોને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપીને રાજનીતિંમાં ઉતાર્યા છે. આ સાથે અમુકને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા છે.
ભાજપમાં વિધાનસભા ચૂંટણીની વહેંચણીને લઈને હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન એવું માનવામાં આવે છે કે ભાજપ સર્વેના અભિપ્રાયને મહત્ત્વ આપશે. આ સાથે ભાજપ આ નેતાઓને નારાજ કરશે નહીં.
કયા નેતાઓ તેમના બાળકો માટે ટિકિટની ઈચ્છા રાખે છે?
હરિયાણામાં ભાજપના વરિષ્ઠ નેતા રાવ ઈન્દ્રજીત સિંહ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના દીકરા-દીકરી માટે ટિકિટ ઇચ્છે છે. રાવ ઈન્દ્રજીત સિંહ પાંચ વખત સાંસદ રહેવાની સાથે મોદી સરકારમાં મંત્રી પણ છે. તેમની દીકરી આરતી રાવે અટેલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સાથે ફરીદાબાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર પણ તેમના દીકરા દેવેન્દ્ર ચૌધરીને ફરીદાબાદ લોકસભા સીટની અંદર આવતી તિગાંવ સીટ પરથી ટિકિટ અપાવવા માંગે છે. આ પછી ભિવાની-મહેન્દ્રગઢથી સાંસદની ચૂંટણી જીત મેળવેલા ચૌધરી ધર્મબીર સિંહ તોશામ બેઠક પરથી તેમના દીકરા મોહિત ચૌધરીને ટિકિટ આપવાની ઈચ્છે ધરાવે છે.