દેશના લોકો એક વર્ષમાં 600 કરોડ પેકેટ મેગી નૂડલ્સ ઝાપટી ગયાં, કિટ-કેટ પણ 4.2 અબજ નંગ વેચાઈ
Nastle News | ભારત નેસ્લેની મેગી માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. મેગીના લોકપ્રિય ઇન્સ્ટિટન્ટ નૂડલ્સેે ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં છ અબજ પેકેટનું વેચાણ કર્યુ છે, એમ સ્વિસ બહુરાષ્ટ્રીય કંપનીના સ્થાનિક એકમે જણાવ્યું હતું. નેસ્લે ઇન્ડિયા જાહેરાત કરી ચૂક્યું છે કે ભારત વિશ્વમાં તેના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા બજારોમાં એક છે અને કંપની ત્યાં દ્વિઅંકી દરે વૃદ્ધિ પામી રહી છે.
નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું છે કે ભારત તેના વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજારોમાં એક છે. કંપની અહીં ઊંચા દ્વિઅંકી દરે વૃદ્ધિ પામી રહી છે.
કંપનીએ જણાવ્યું હતું કે ભારતમાં તેના રાંધણ સહાયક સામગ્રીઓ અને તૈયાર વાનગીઓ બનાવવા માટે કાચો માલ પૂરો પાડવાના કારોબારે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે.
ભારતમાં તેના કારોબારમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે વિવિધ કારણો જવાબદાર છે. તેની પાછળનું કારણ સારું ઉત્પાદન મિશ્રણ, ભાવના મોરચે વ્યૂહાત્મક અભિગમ અપનાવતા મેગી નૂડલ્સ અને મેગી-મસાલા મેેજિકનો સમાવેશ થાય છે.
નેસ્લે ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેણે તેની લોકપ્રિય ચોકોલેટ કિટકેટના ૪.૨ અબજ નંગનું વેચાણ કર્યુ છે. આમ તેની ચોકોલેટ માટે પણ ભારત બીજા નંબરનું સૌથી મોટું બજાર છે.
જૂન ૨૦૧૫માં મેગી નૂડલ્સે પાંચ મહિનાના પ્રતિબંધનો સામનો કરવો પડયો હતો. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)એ તેના પર આ પ્રતિબંધ ફટકાર્યો હતો.
તેનો આરોપ હતો કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ ફૂડમાં સીસાનું પ્રમાણ નિયત માત્રાથી વધારે હતું. તેનું પ્રમાણ ૧૭.૨ પાર્ટ્સ પર મિલિયન હતુ, જે નિયત પ્રમાણ ૨.૫ પીપીએમના નિર્ધારિત માપદંડ કરતાં હજાર ગણું વધારે હતું. આમ તે માનવજીવન માટે અને તેમા પણ ખાસ કરીને બાળકો માટે અત્યંત જોખમી હતું.
આ પ્રતિબંધના લીધે ભારતના નૂડલ્સ બજારમાં તેનો હિસ્સો મહિનામાં જ ૮૦ ટકાથી ઘટીને શૂન્ય થઈ ગયો હતો. તેના લગભગ દાયકા પછી પણ કંપની હજી પણ તેનો ગુમાયેલો હિસ્સો પરત મેળવવા સંઘર્ષ કરી રહી છે. તેણે નવા પ્રવેશનારા સ્પર્ધકોની સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
કંપનીએ છેલ્લા આઠ વર્ષમાં ભારતમાં ૧૪૦ પ્રોડક્ટ લોન્ચ કરી છે. તે ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન રુ. ૭,૫૦૦ કરોડના રોકાણનું આયોજન ધરાવે છે. કંપનીએ ૩૧ માર્ચ ૨૦૨૪ના પૂરા થયેલા નાણાકીય વર્ષના અંતે કુલ રુ. ૨૪,૨૭૫ કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.