'ગળામાં રાધે-રાધે, માંગમાં સિંદૂર': પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરનો નવો અવતાર
Image Source: Twitter
- સીમા હૈદરે તેના ગળામાં 'રાધે-રાધે'નો પટ્ટો અને માંગ માં સિંદૂર પૂરીને સંપૂર્ણપણે ભારતીય રૂપ ધારણ કરી લીધુ છે
નવી દિલ્હી, તા. 10 જુલાઈ 2023, સોમવાર
પ્રેમ માટે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરની કહાની સૌને ચોંકાવી દે છે. સીમાની મુલાકાત ઓનલાઈન ગેમિંગ દ્વારા ઉત્તર પ્રદેશના નોઈડામાં રહેતા સચિન મીના સાથે થઈ હતી. પરંતુ હવે આ સ્ટોરી ઘણી આગળ વધી ગઈ છે. નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલી સીમાએ સચિન સાથે લગ્ન કરી લીધા છે અને હવે તે કાયમ ભારતમાં જ રહેવા માંગે છે.
સીમા હૈદરે તેના ગળામાં 'રાધે-રાધે'નો પટ્ટો અને માંગ માં સિંદૂર પૂરીને સંપૂર્ણપણે ભારતીય રૂપ ધારણ કરી લીધુ છે. સીમાનું કહેવું છે કે, તે હવે નવું જીવન શરૂ કરવા માંગે છે અને ભારતમાં રહેવા માંગે છે. સરહદ પાર કરવા અંગે સીમાએ કહ્યું કે, જો સચિન મારા માટે પાકિસ્તાન આવવા તૈયાર હોય તો હું તેના માટે ભારત કેમ ન આવું.
પાકિસ્તાનથી નીકળીને સીમા હૈદર પહેલા દુબઈ પહોંચી અને પછી ત્યાંથી તે નેપાળ અને પછી ભારતમાં પ્રવેશવામાં સફળ રહી. સીમાએ જણાવ્યું કે તે પાકિસ્તાનમાં રહીને ભારતના વિઝા માટે અરજી કરી રહી હતી પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. વારંવાર રિજેક્ટ થયા બાદ તેણે નેપાળ માટે વિઝા માટે અરજી કરી કારણ કે ત્યાં મંજૂરી ફક્ત 2 દિવસમાં જ મળી રહી હતી. આવી સ્થિતિમાં તેણે ભારતમાં વાયા નેપાળ એન્ટ્રી લેવાનું નક્કી કર્યું.
સીમા હૈદરની ઓળખ 4 જુલાઈના રોજ પ્રકાશમાં આવી જ્યારે તેની ભારતમાં ધરપકડ કરવામાં આવી. તે મે મહિનામાં જ ભારત આવી ગઈ હતી અને પોતાની ઓળખ છુપાવીને રહેતી હતી. સીમાએ જણાવ્યું કે, તે કરાચીથી દુબઈ ગઈ અને ત્યાંથી નેપાળ આવી પછી કાઠમંડુથી બસ લઈને દિલ્હી પહોંચી. અહીં સચિને તેને એક રૂમ ભાડે અપાવ્યો જ્યાં તે તેના બાળકો સાથે રહી શકે.
નોઈડાના રહેવાસી સચિને જણાવ્યું કે, અમે માર્ચમાં જ નેપાળમાં લગ્ન કરી લીધા હતા પરંતુ જ્યારે તે અહીં આવી ત્યારે અમે ફરીથી કાયદેસર રીતે લગ્ન કર્યા.આ કાયદાકીય લગ્નની પ્રક્રિયા દરમિયાન જ ખબર પડી હતી કે સીમા હૈદર પાકિસ્તાની નાગરિક છે. ત્યારથી આ લવ સ્ટોરીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.