રાષ્ટ્રદ્રોહની કલમ: કેન્દ્રની સુપ્રીમને અરજ રદ્દ કરો નહી, માર્ગદર્શિકા આપો
નવી દિલ્હી તા. 5 મે 2022,ગુરૂવાર
કેન્દ્ર સરકારે રાષ્ટ્રદ્રોહની કલમ હટાવવાનો વિરોધ કરતા તેના દુરુપયોગને રોકવા માટે સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ એવી દલીલ ગુરુવારે દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગે યોગ્ય વિકલ્પ વિચારવામાં આવશે એવું જણાવી વર્તમાન કેસની સુનાવણી ચાલુ રાખવા નક્કી કર્યું છે.
ભારતીય દંડ સંહિતા (Indian Penal Code)ની કલમ 124A હેઠળ નોંધાતા રાષ્ટ્રદ્રોહના કેસમાં ક્રિમીનલ કેસ થવો જોઈએ કે નહી તેને પડકારતી એક અરજી અંગે સુપ્રીમ કોર્ટે વધારે વિચારના કરવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એન વી રામના અને અન્ય બે જસ્ટીસની બનેલી ખંડપીઠે નક્કી કર્યું હતું કે અગાઉ પાંચ જજોની બનેલી એક બેન્ચે આ કલમ માન્ય રાખવા માટે નિર્યણ લીધો હતો ત્યારે આ કલમ દૂર કરવી જોઈએ કે નહી, તેમાં ફેરફારને અવકાશ છે કે નહી તે અંગે વિચાર કરવા માટે કે ફરી નવી પાંચ જજોની બેંચ બનાવવી કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ રાષ્ટ્રદ્રોહની કલમનો હવે દુરુપયોગ થઇ રહ્યો હોવાની દલીલ કરતા સેનાના નિવૃત્ત મેજર જનરલ એસ જ વોમ્બાતકેરે, એડિટર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરી, પત્રકારો અને વર્તમાન તૃણમુલ સાંસદ મહુવા મોઇત્રા સહિતના લોકોએ અલગ અલગ અરજી કરી આ કલમ હવે હટાવી દેવી જોઈએ એવી અરજી ગત વર્ષે કરી છે.
અગાઉ કેદારનાથ સામેના એક કેસમાં 1962ની સાલમાંસુપ્રીમ કોર્ટે આ ક્લમ રદ્દ થવી જોઈએ નહી એવો ચુકાદો આપ્યો છે.
જોકે, આજે સુપ્રીમ કોર્ટે કેસની પ્રાથમિક સુનાવણી તા.10 મેથી શરૂ કરવા અને અરજદાર અને જવાબ આપવા માટે કેન્દ્ર સરકારને તા.૯ મે સુધીમાં કોર્ટમાં એફીડેવીટ રજુકરવા માટે આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકાર વતી આ કલમનો બચાવ કરતા એડવોકેટ જનરલ કે. કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે અગાઉના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આ કલમની કાયદેસરતા નક્કી થઇ ગઈ છે એટલે તેના અંગે હવે ફેરવિચારણા કરવાની જરૂર નથી. એમણે વધુમાં દલીલ કરી હતી કે અત્યારે આ કલમનો દુરુપયોગ ઘટીગયો છે.
જોકે, એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે જે રીતે અત્યારે કેસ થઇ રહ્યા છે અને રાજ્ય સરકાર તેનો ઉપયોગ કરી રહી છે ત્યારે તેના ઉપર એક માર્ગદર્શિકા ચોક્કસહોવી જોઈએ. એમણે હનુમાન ચાલીસા અંગે મહારાષ્ટ્ર સરકારે રાણા દંપત્તિ સામે મહારાષ્ટ્ર સરકારે આ કલમ દાખલ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
“આ કલમ અંગે એક માર્ગદર્શિકાની જરૂર છે કે કેવા સંજોગોમાં રાષ્ટ્રદ્રોહ બને છે અને કેવા કેસમાં તે નથી બનતો. અત્યારે દેશમ જે ચાલી રહ્યું છે તે અટકી જશે,” એમ એડવોકેટ જનરલે ઉમેર્યું હતું.