આસારામને જામીનને પગલે પીડિતાના પરિવારની સુરક્ષા વધારાઇ
પરિવારની સુરક્ષા માટે સંબધિત પોલીસ સ્ટેશન અને સર્કલ ઓફિસરને જરૃરી નિર્દેશ આપવામાં આવ્યા
ઉ.પ્ર.ના શાહજહાંપુરમાં રહેતા પીડિતના પરિવારજનો ચિંતિત
(પીટીઆઇ) શાહજહાંપુર, તા. ૮
આસારામને મેડિકલ ગ્રાઉન્ડને આધારે વચગાળાના જામીન પર મુક્ત
કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાપછી શાહજહાંપુર જિલ્લામાં પીડિતાના ઘરની સુરક્ષા
વધારવામાં આવી છે તેમ પોલીસ અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
પીડિતાના પિતાએ પોતાના પરિવારની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત
કરી હતી અને કોર્ટના ચુકાદા અંગે આશ્રર્ય વ્યક્ત કર્યુ હતું.
એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (સિટી) સંજયકુમાર સાગરે
જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી તેમણે વ્યકિતગત રીતે પીડિતાના ઘરની
મુલાકાત લીધી હતી અને પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે પીડિતાના ઘરે એક પોેલીસ કર્મી
અગાઉથી જ તૈનાત છે. આ ઉપરાંત પીડિતાના પિતા સાથે એક બંદૂક સાથેનો સુરક્ષાકર્મી રહે
છે. ચુકાદા પછી વધારાના સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
પરિવારની સુરક્ષા માટે સંબધિત પોલીસ સ્ટેશન અને સર્કલ
ઓફિસરને જરૃરી નિર્દેશ આપવામાં આવ્યા છે.
સાગરે જણાવ્યું હતું કે પીડિતાના ઘર અને તેની આસપાસના ખરાબ સીસીટીવી
કેમેરાનું રિપેરિંગ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પીડિતાના પિતાને ઘરની બહાર જતા
પહેલા જાણ કરવાનું જણાવવામાં આવ્યું છે.