Get The App

બાંદા જેલ સુપરિન્ટેન્ડન્ટના ઘરે સુરક્ષા વધારાઈ, મુખ્તાર અન્સારીના મોત બાદ હત્યાની આપી હતી ધમકી

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
બાંદા જેલ સુપરિન્ટેન્ડન્ટના ઘરે સુરક્ષા વધારાઈ, મુખ્તાર અન્સારીના મોત બાદ હત્યાની આપી હતી ધમકી 1 - image


Mukhtar Ansari Death : બાંદા જેલના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સિનિયર જેલ સુપરિન્ટેન્ડેન્ટ વિરેશ રાજ શર્માને મુખ્તાર અન્સારીના મૃત્યુ બાદ એક અજાણ્યા ફોન નંબર પરથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. પોલીસ ધમકી આપનારની તલાશ કરી રહી છે. આ દરમિયાન વહીવટી તંત્રએ જેલ સુપરિન્ટેન્ડન્ટ વિરેશ રાજ શર્માની સુરક્ષા વધારી દીધી છે. ધમકીભર્યા કોલને ટ્રેસ કરવાની જવાબદારી STFને સોંપવામાં આવી છે.

મુખ્તાર અન્સારીના મોત બાદ મળી હતી ધમકી

જેલ સુપરિન્ટેન્ડન્ટને આ ધમકી માફિયા મુખ્તાર અન્સારીના મોતના પાંચ કલાક બાદ મળી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કોલ દહેરાદૂનના STD કોડવાળા લેન્ડલાઈન નંબર પરથી કરવામાં આવ્યો હતો. કોલ કરનાર સિનિયર જેલ સુપરિન્ટેન્ડન્ટ સાથે વાત કરતાની સાથે જ તેમને અપશબ્દો બોલવા લાગ્યો અને કહ્યું, હવે તને ઠોકી દઈશું, બચી શકતો હોય તો બચી જા. આ લગભગ 14 સેકન્ડનો કોલ હતો. કોલ વિશે જાણ થતાં જ પોલીસ અને વહીવટ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. જેલ સુપરિન્ટેન્ડન્ટે ધમકી આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરાવી છે. વહીવટી તંત્રએ જોખમને ધ્યાનમાં રાખી જેલ સુપરિન્ટેન્ડન્ટ વિરેશ શર્માની સુરક્ષા વધારી દીધી છે.

મુખ્તાર અન્સારીનું હાર્ટ એટેકથી થયુ હતું મોત

મુખ્તાર અન્સારીનું નિધન હાર્ટ એટેકથી 28 માર્ચના રોજ રાત્રે થયું હતું. જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ તેમને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. જેલ સુપરિન્ટેન્ડન્ટ વિરેશ શર્માએ પોલીસને જણાવ્યું કે જે રાત્રે મુખ્તાર અન્સારીનું નિધન થયું તે જ રાત્રે 1:37 વાગ્યે તેમના CUG નંબર પર કોલ આવ્યો હતો. વાત થતાંની સાથે જ કોલરે અપશબ્દો બોલી હત્યાની ધમકી આપી હતી. તેમણે ધમકીનો ઓડિયો આપતાં કલમ 504 અને 507 હેઠળ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે.


Google NewsGoogle News