Get The App

સાત ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
સાત ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ 1 - image


- સોમવારે પણ ત્રણ ફ્લાઈટમાં બોમ્બના મેસેજ મળ્યા હતા

- શિકાગો જતી એરઈન્ડિયાની ફ્લાઈટને કેનેડા વાળવામાં આવી હતી અને સઘન ચકાસણી હાથ ધરાઈ હતી

નવી દિલ્હી : મંગળવારે અમેરિકા જતી ફ્લાઈટ સહિત સાત ફ્લાઈટને સોશિયલ મીડિયા એક્સ મારફત બોમ્બની ધમકીના સંદેશા મળતા સુરક્ષા એજન્સીઓએ વિવિધ એરપોર્ટ ખાતે આતંકવાદ વિરોધી પગલા લેવાની ફરજ પડી હતી. આવી જ ઘટના સોમવારે પણ બની હતી જેમાં મુંબઈથી જતી ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. પ્રશાસન આવી ધમકીને ગંભીરતાથી લઈ રહ્યું છે તેમજ તેની વિશ્વનીયતાની ચકાસણી પણ કરાઈ રહી છે.

ટાર્ગેટ કરાયેલી ફ્લાઈટમાં જયપુરથી બેંગલુરુ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ, દરભંગાથી મુંબઈ જતી સ્પાઈસ જેટ ફ્લાઈટ,બગડોરાથી બેંગલુરુ જતી આકાસા એર ફ્લાઈટ, દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયા ફ્લાઈટ અને દમામથી લખનઉ જતી ઈન્ડિગો ફ્લાઈટ સામેલ હતી. એરલાઈનના પ્રવક્તાઓએ પુષ્ટી કરી કે ઈમરજન્સી પ્રોટોકોલ પાળવામાં આવ્યા હતા અને વિમાનોએ સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. પ્રભાવિત વિમાનોને વધુ ચકાસણી માટે અલગ કરીને પ્રવાસીઓ તેમજ ક્રુની સલામતિ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

મહત્વનો વિક્ષેપ દિલ્હી-શિકાગો એર ઈન્ડિયા ફ્લાઈટમાં સર્જાયો હતો જેને કેનેડાના ઈકાલીટમાં વાળવામાં આવી હતી અને પ્રવાસીઓ તેમજ વિમાનની ચકાસણી કરવામાં આવી હતી. દરમ્યાન દમામથી લખનઉ જતી ઈન્ડિગો ફ્લાઈટ સાવચેતી માટે જયપુર વાળવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓએ તમામ પ્રવાસીઓને સલામતિપૂર્વક ઉતાર્યા હતા અને વિમાનો ફરી કાર્યરત થવા અગાઉ તેની સઘન ચકાસણી કરી હતી.

બ્યુરો ઓફ સિવિલ એવિયેશન સેક્યુરિટી (બીસીએએસ) સહિતની એજન્સીઓ ઈન્ડિયન સાયબર-સેક્યુરિટી એજન્સીઓ અને પોલીસ વિભાગ સાથે ધમકીના સ્રોતને શોધવા માટે સહયોગ કરી રહી છે.સોમવારની ધમકીઓ બોગસ સાબિત થઈ હોવા છતાં આવી ઘટના વારંવાર બનવાથી તમામ એરપોર્ટ પર ચોકસાઈ વધારવામાં આવી છે અને અધિકારીઓ કોઈપણ સંભવિત જોખમ ટાળવા આતંક વિરોધી પ્રક્રિયાઓને સખતાઈથી વળગી રહ્યા છે.


Google NewsGoogle News