બિનસાંપ્રદાયિક્તા હંમેશા બંધારણના મૂળ ઢાંચાનો હિસ્સો રહી છે : સુપ્રીમ
- સેક્યુલર, સમાજવાદ જેવા શબ્દો હટાવવાની માગ પર સુનાવણી
- શું તમે નથી ઇચ્છતા કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ રહે ? : અરજદારોને સુપ્રીમે આકરા સવાલો કર્યા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા કહ્યું હતું કે બિનસાંપ્રદાયિક્તા હંમેશાથી ભારતના બંધારણના મૂળ ઢાંચાનો હિસ્સો રહી છે. બંધારણમાં ઉપયોગમાં લેવાયેલા સમાનતા અને બંધુત્વ શબ્દોની સાથે સાથે ભાગ ત્રણ મુજબ અધિકારોને જોઇએ તો સ્પષ્ટ સંકેતો મળશે કે બિનસાંપ્રદાયિક્તાને બંધારણની મુખ્ય વિશેષતા માનવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજય કુમારની બેંચે મામલાની સુનાવણી દરમિયાન આ અવલોકન કર્યું હતું. ન્યાયાધીશ સંજીવ ખન્નાએ મૌખિક રીતે કહ્યું હતું કે આ કોર્ટના અનેક નિર્ણયો છે જે સ્વીકારે છે કે બિનસાંપ્રદાયિક્તા હંમેશા બંધારણના મૂળ ઢાંચાનો હિસ્સો રહી છે. બિનસાંપ્રદાયિક્તાના ફ્રાંસીસી મોડલથી અલગ ભારતમાં બિનસાંપ્રદાયિક્તાનું એક નવુ મોડલ અપનાવવામાં આવ્યું છે.
ભાજપના નેતા અને પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા બંધારણના આમુખમાંથી બિનસાંપ્રદાયિક્તા અને સમાજવાદ શબ્દ હટાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ ખન્નાએ અરજદારોને સવાલ કર્યો હતો કે શું તમે નથી ઇચ્છતા કે ભારત ધર્મનિરપેક્ષ રહે? જવાબમાં એક અરજદારના વકીલે કહ્યું હતું કે અમે એવુ નથી કહી રહ્યા કે ભારત ધર્મનિરપેક્ષ ના રહે પરંતુ અમે બંધારણના સુધારાને પડકારી રહ્યા છીએ. ડો. આંબેડકરે કહ્યું હતું કે સમાજવાદ શબ્દને સામેલ કરવાથી વ્યક્તિગત સ્વતંત્રતા પર અંકુશ લાગશે. બાદમાં જવાબમાં ન્યાયાધીશ ખન્નાએ કહ્યું હતું કે સમાજવાદનો અર્થ તકોની સમાનતા પણ થઇ શકે, દેશની સંપત્તિ સમાનરૂપે વિતરિત કરી શકાય. આપડે પશ્ચિમી અર્થઘટન નથી લેતા. હાલ આ મામલાની સુનાવણી આગામી મહિના સુધી મુલતવી રાખી છે.