રાજ્યસભા ચૂંટણીમાં પહેલીવાર આ નિયમનો ઉપયોગ કોંગ્રેસને ભારે પડ્યો, કલમ 102 છે શું?
કોંગ્રેસના દિગ્ગજ નેતા મનુ સિંઘવી હારી ગયા હતા
Himachal Pradesh Rajya Sabha Election : હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની બેઠક પર ભાજપના હર્ષ મહાજન ચૂંટણી જીતી ગયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી હારી ગયા. અહીં રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં તેના ઉમેદવારનો પરાજય કોંગ્રેસ માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપ એમ બંનેના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા પરંતુ જીત કે હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો. જેમાં ભાજપના હર્ષ મહાજનનો વિજય થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મેચ 34-34 મતોથી ટાઈ થયું હતું પરંતુ તે પછી મહાજનને 'ડ્રો' દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
પહેલીવાર બની છે આ ઘટના!
આ કદાચ પહેલીવાર છે કે રાજ્યસભાની ચૂંટણીના વિજેતાનો નિર્ણય 'ડ્રો' દ્વારા કરવામાં આવ્યો છે. લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951ની કલમ 102 હેઠળ ડ્રો કરવામાં આવ્યું હતું. તેમાં જોગવાઈ છે કે મત ગણતરી બાદ ઉમેદવારો વચ્ચે ટાઈ થાય તો ડ્રો દ્વારા પરિણામ જાહેર કરી શકાય. નિયમ અનુસાર આવી સ્થિતિમાં વિજેતા તે જ હશે જેને ચિઠ્ઠીના ડ્રો દ્વારા 'વધારાનો મત' મળે છે.
કાયદા અનુસાર પરિણામ જાહેર થયા
ચૂંટણી પંચના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં દાવો કરાયો કે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો ડ્રો દ્વારા જાહેર કરવાની સમગ્ર પ્રક્રિયા કાયદા અનુસાર કરવામાં આવી હતી. આ દરમિયાન રિટર્નિંગ ઓફિસર અને બંને ઉમેદવારો ત્યાં હાજર હતા. પંચના સૂત્રોએ જણાવ્યું છે કે આ નિર્ણય અંગે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. અગાઉ, ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ધારાસભ્યોને સરકારી વિમાન દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ભાજપની ફરિયાદને પણ નકારી કાઢી હતી.
કાયદો શું કહે છે
લોકપ્રતિનિધિત્વ કાયદા, 1951 ની કલમ 102 હેઠળ બે ઉમેદવારો વચ્ચે સમાન મતના કિસ્સામાં પરિણામો કેવી રીતે નક્કી કરવામાં આવશે તેની પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે કહે છે કે જો કોઈ ચૂંટણી અરજીની સુનાવણી દરમિયાન એવું જણાય કે ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારો વચ્ચે મતોની સમાનતા છે અને તેમાંથી કોઈ પણ મત ઉમેરવાથી તે ચૂંટાયેલા જાહેર થવા માટે હકદાર બનશે, તો ડ્રો કરીને વિજેતાને જાહેર કરવામાં આવી શકે છે.