'પ્રાણ પ્રતિષ્ઠા'ના બીજા દિવસે લાખ્ખો ભક્તો બાળ રામ લલ્લાનાં દર્શન કરી ધન્ય થયા
- મંગળવારે સવારે 3 વાગ્યાથી ભક્તો દર્શન માટે ઉમટયા હતા : કડકડતી ઠંડીમાં પણ સરયુમાં સ્નાન કરી દર્શન માટે પહોંચ્યા
અયોધ્યા : ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે મંગળવારે લાખ્ખો શ્રધ્ધાળુઓ સવારના ૩ વાગ્યાથી દર્શનાર્થે રામ મંદિરે ઉમટયા હતા. કડકડતી ઠંડીમાં પણ દર્શન પૂર્વે, સરયુમાં સ્નાન કરી પવિત્ર થઈ ભગવાન શ્રી રામ લલ્લાનાં દર્શનાર્થે પહોંચ્યા હતા.
આટલી મોટી માનવ મેદની હોવા છતાં પ્રમાણમાં ઘણી જ શાંતિ રાખવામાં આવી હતી. જો કે, વ્યવસ્થા જાળવવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જોવા રાત્રીના અઢી વાગ્યાથી પોલીસ કાર્યરત થઇ હતી, પરંતુ ન તો કોઈ અવ્યવસ્થા થઇ કે ન તો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો.
તે સર્વવિદિત છે કે ગઇકાલે સોમવારે અમૃત સિદ્ધિ યોગ અને અભિજિત નક્ષત્ર સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બપોરે ૧૨ કલાક અને ૩૦ મીનીટ અને ૩૨ સેકન્ડના સમયે ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપ્ન્ન થઇ તે પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ કરાવવા વારાણસી અને તમિળનાડુથી વિદ્વાન આચાર્યોને નિમંત્રિત કરાયા હતા.
આ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સમયે દેશના અગ્રણીઓને વિશેષ નિમંત્રણ અપાયું હતું. જેમાં અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિઓ અનિલ અંબાણી, મુકેશ અંબાણી તેઓનાં પત્ની નીતા અંબાણી, ગૌતમ અદાણી વગેરે ઉપસ્થિત હતા. તેમજ સચિન તેંડુલકર જેવા રમતવીરો પણ હતા.
આજે સવારથી લાખ્ખોની મેદની દર્શનાર્થે મંદિરે પહોંચી હતી. રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્રના વહીવટકર્તાઓએ દર્શન માટે સવારના ૭થી ૧૧.૩૦ અને બપોરના ૨થી ૭નો સમય નિશ્ચિત રાખ્યો હતો. સવારના ૭ વાગે ભગવાનને 'કૌલીયમ', ૧૧.૩૦ પછી ભોજનમ્ અપાતાં હોય છે. ૭.૩૦ પછી રાત્રી ભોજન, રાત્રે ૯.૩૦ કલાકે શયન આરતી કરાય છે. સવારે પ્રાત:કાળ આરતી અને બપોરે મધ્યાહ્ન પૂર્વેની આરતી, સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે. જે હિન્દુ ધર્મમાં પ્રત્યેક મંદિરમાં થતું હોય છે.
જાગરણ શ્રૃંગાર તો સવારે ૬.૩૦ વાગે થાય છે. ઉલ્લેખનીય છે કે તે દરેક સમયે મધુર સંગીત પણ વગાડાય છે. સવારનાં ૬.૩૦નાં જાગરણ શ્રૃંગાર સમયે હળવા સ્વરે, સ્તુતિ ભજન વગેરે કરવામાં આવે છે.
આ સર્વે પ્રક્રિયા દરેક મંદિરોમાં પણ થતી હોય છે. વૈષ્ણવ મંદિરો અને હવેલીઓમાં જે સંગીત સ્તુતી સાથે વહેવડાવવામાં આવે છે. તેને હવેલી સંગીત કહેવાય છે.
૭.૩૦ વાગે પ્રાત:આરતી થાય છે. તે સમયે અહીંનાં રામ મંદિરમાં ઉપસ્થિત રહેવા માટે પત્રિકા (પાસ) આપવામાં આવે છે. જે ઓફ લાઈન અને ઓનલાઈન બંને રીતે પ્રાપ્ત થઇ શકે છે. જે પ્રમાણભૂત સરકારી આઈડેન્ટીટી પ્રુફ આપી શકે તેને જ પ્રાપ્ત થઇ શકે છે.