સેબીની સંડોવણીથી રોકાણકારોમાં સન્નાટો : જેપીસી તપાસની માગ
- હિન્ડનબર્ગના ગૌતમ અદાણી - માધવી બુચ અંગેના રિપોર્ટથી ઘમાસાણ
- દેશના પ્રમાણિક નાના રોકાણકારોને થનારા નુકસાનની મોદી, માધવી બુચ કે અદાણીમાંથી જવાબદારી કોની : રાહુલનો કેન્દ્ર-સેબી પર હુમલો
- અંગત લાભ માટે અગાઉથી જાહેર માહિતીમાંથી પસંદગીના ટુકડા ઉઠાવી રિપોર્ટ તૈયાર કરાયો : અદાણી જૂથ
- હિન્ડનબર્ગના આક્ષેપો સેબીની વિશ્વસનીયતા અને ચેરપર્સનના ચરિત્રહનનનો પ્રયાસ : બુચ દંપતિ
નવી દિલ્હી: અમેરિકન શોર્ટ સેલિંગ રિસર્ચ કંપની હિન્ડનબર્ગે સેબી ચીફ માધવી બુચ પર અદાણી જૂથ સાથે ભ્રષ્ટાચારમાં સાંઠગાંઠના આક્ષેપો કરીને મોટો ધડાકો કર્યાના બીજા દિવસે વિપક્ષે રવિવારે આ મોટા કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર કૌભાંડની સુઓ-મોટો નોંધ લેવી જોઈએ અને તેની તપાસ કરવી જોઈએ. બીજીબાજુ સેબી પ્રમુખ માધવી બુચ અને અદાણી જૂથે હિન્ડનબર્ગના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. માધવી બુચે આ આક્ષેપોને તેમના ચરિત્રહનન અને સેબીની વિશ્વસનીયતાને ખરડવાના પ્રયાસ સમાન ગણાવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે આક્ષેપ કર્યો કે જ્યાં સુધી જેપીસી આ મુદ્દે તપાસ નહીં કરે ત્યાં સુધી એ ચિંતા રહેશે જ કે 'પાછલા સાત દાયકામાં આકરી મહેનત કરીને બનાવાયેલી ભારતની બંધારણીય સંસ્થાઓ સાથે સમજૂતી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સહયોગીને બચાવતા રહેશે.'
કોંગ્રેસે કહ્યું કે સરકારે અદાણી જૂથની નિયામકની તપાસમાં બધા જ હિતોના સંઘર્ષને ખતમ કરવા માટે તુરંત કાર્યવાહી કરવી જોઈએ.
ખડગેએ એક્સ પર લખ્યું, 'જાન્યુઆરી ૨૦૨૩ના હિન્ડનબર્ગ રિપોર્ટ ખુલાસા પછી સેબીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગી અદાણીને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી હતી. જોકે, સેબી પ્રમુખ સાથે સંકળાયેલી લેડવ-દેવડ અંગે નવા આરોપ સામે આવ્યા છે.' તેમણે ઉમેર્યું કે, મધ્યમ વર્ગના નાના અને મધ્યમ રોકાણકારોને સંરક્ષણ આપવાની જરૂર છે, કારણ કે તેઓ પોતાની મહેનતની કમાણી શૅરબજારમાં લગાવી રહ્યા છે અને તેમને સેબી પર વિશ્વાસ છે.
વિપક્ષે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ સમગ્ર કૌભાંડની સુઓમોટો નોંધ લેવી જોઈએ અને તેના નિરીક્ષણ હેઠળ તપાસ કરાવવી જોઈએ, કારણ કે અહીં તપાસ એજન્સી સેબી પોતે જ આરોપોના કઠેડામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આવા ગંભીર આરોપોના પગલે માધવી બુચ તેમના પદ પર રહી શકે નહીં.
સેબી પ્રમુખ માધવી બુચ પર હિન્ડનબર્ગના આરોપોના સંદર્ભમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રવિવારે જણાવ્યું કે, નાના રીટેલ રોકાણકારોની સંપત્તિની સુરક્ષાની જવાબદારી સંભાળનારી સેબીની પ્રતિષ્ઠાને તેના ચેરપર્સન પર લાગેલા આરોપોએ ગંભીર ઠેસ પહોંચાડી છે. સમગ્ર દેશમાં પ્રમાણિક રોકાણકારો પાસે સરકાર માટે મહત્વપૂર્ણ સવાલ છે.
રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે, સેબીનાં અધ્યક્ષ માધવી પુરીએ હજુ સુધી રાજીનામું કેમ નથી આપ્યું? રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવી દે તો તેના માટે જવાબદાર કોણ હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેબી અધ્યક્ષ કે ગૌતમ અદાણી? સામે આવેલા નવા આરોપો વધુ ગંભીર છે ત્યારે શું સુપ્રીમ કોર્ટ આ કેસની ફરીથી સુઓમોટો નોંધ લઈ તપાસ કરશે? રાહુલ ગાંધીએ ઉમેર્યું કે, હવે એ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદી જેપીસી તપાસથી આટલા ડરી શા માટે રહ્યા છે અને તેનાથી શું જાણી શકાય છે?
દરમિયાન હિન્ડનબર્ગે શનિવારે રાતે કરેલા આક્ષેપો પછી બજાર નિયામક સેબીનાં વડાં માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે રવિવારે કહ્યું કે, અમેરિકન રિસર્ચ અને શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગ રિસર્ચ સેબીની વિશ્વસનીયતા પર હુમલો કરવાનો અને ચેરપર્સનનું ચરિત્ર હનન કરવાનો પ્રયત્ન કરી રહી છે. આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટના એક ફંડમાં તેમનું રોકાણ સિંગાપોર સ્થિત ખાનગી નાગરિક તરીકે કરાયું હતું. માધવીના સેબીમાં પૂર્ણકાલીન સભ્ય તરીકે જોડાયાના બે વર્ષ પહેલા આ રોકાણ કરાયું હતું. સાથે જ દંપતિએ કહ્યું કે, ૨૦૧૯થી બ્લેકસ્ટોનમાં વરિષ્ઠ સલાહકાર ધવલ અંગત ઈક્વિટી કંપનીના રિયલ એસ્ટેટ પક્ષ સાથે જોડાયેલા નથી.
તેમણે ઉમેર્યું કે, ભારતમાં અનેક પ્રકારના નિયામકીય ભંગ માટે હિન્ડનબર્ગને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. તેનો જવાબ આપવાના બદલે કંપનીએ સેબીની વિશ્વસનીયતા પર હુમલો કરવા અને ચેરપર્સનનું ચરિત્ર હનન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
બીજીબાજુ અદાણી જૂથે પણ હિન્ડનબર્ગના નવા રિપોર્ટને દુર્ભાવનાપૂર્ણ અને ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન ગણાવ્યો છે. અદાણી જૂથે જણાવ્યું કે, પૂર્વ નિર્ધારિત નિષ્કર્ષો સુધી પહોંચવા માટે અગાઉથી જાહેર માહિતીમાંથી પસંદગીના ટુકડા ઉઠાવીને રિપોર્ટ બનાવાયો છે. આ કામ અંગત લાભ માટે કરાયું છે. અદાણી જૂથ આ આરેપોને સદંતર ફગાવી દે છે. વધુમાં આ આરોપોને માર્ચ ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધા છે.
હિન્ડનબર્ગ રિસર્ચના આરોપોના સંદર્ભમાં બજાર નિયામક સેબીએ પણ પ્રતિક્રિયા આપી હતી. સેબીએ કહ્યું કે, ચેરપર્સન માધવી બુચે સમયે-સમયે પ્રાસંગિક ખુલાસા કરેલા છે. ચેરપર્સનના સંભવિત હિતોના ઘર્ષણ સંબંધિત કેસોથી પોતાને અલગ રાખ્યા હતા. સેબીએ અદાણી જૂથ વિરુદ્ધ કરવામાં આવેલા બધા જ આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરી છે. જે કેસોમાં તપાસ પૂરી થઈ, તેમાં કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. વધુમાં સેબીએ રોકાણકારોને શાંતિ રાખવા અને સમજી-વિચારીને પગલું લેવાની ભલામણ કરી છે.
અદાણી-માધવી પુરી, સેબીના જવાબ પછી પણ કેટલીક આશંકા
અમેરિકન શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ દ્વારા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સાથેની સાંઠગાંઠના આરોપોને અદાણી જૂથે ફગાવી દીધા છે. જો કે આ ખોખલા બચાવ પછીયે કેટલાક સવાલો તો ત્યાંના ત્યાં જ છે. એ વાત આપણે વિગતવાર સમજીએ.
માધવી પુરી બુચ સાથે કોમર્શિયલ વ્યવહાર નથી : અદાણી
અદાણીના શેરોની કિંમતમાં કથિત રીતે કરાયેલા વધારા ઘટાડા માટે ઓફશોર ફંડમાંથી પૈસા આવ્યા હતા જે વિનોદ અદાણી ચલાવે છે.
આ ફંડમાં જ સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનું રોકાણ છે, તો કેવી રીતે કહી શકાય કે તમારી વચ્ચે કોમર્શિયલ નાણાકીય વ્યવહાર નથી થયો.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી કોઈ અર્થ નથી ઃ અદાણી
હિંડનબર્ગે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે કોઈ ટિપ્પણી નથી કરી. પરંતુ જેમણે તમારું ઈન્વેસ્ટિગેશન કર્યું અને જેમના આધારે તમને ક્લિનચિટ આપી, એ SEBIના ચેરપર્સન તમારી ઓફશોર કંપનીમાં રોકાણકાર છે. જેની ભારતના ૧૪૦ કરોડ લોકોને જાણ નથી. આ બાબતે અદાણી કે સેબીએ ડિસ્કલોઝર આપ્યું નથી.
અમે ઓફશોર ફંડના રોકાણકારો સુધી પહોંચી શકતા નથી : SEBI
તમે ઓફશોર ફંડ્માં જઈને રોકાણો કરી શકો છો, પરંતુ તેના રોકાણોને શોધી નથી શકતા? તેનું કારણ એ છે કે, તમે પોતે જ તેમાં એક રોકાણકાર છો.
અમે સમયાંતરે ડિસ્ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો છે : SEBI
તમે કહો છો સમયાંતરે વિવિધ પ્લેટફોર્મ પર રિપોર્ટ રજૂ કરીએ છીએ. જો કે આ ડિસ્ક્લોઝર ચેક કોણ કરશે? તમે પોતે જ ચેરપર્સન છો. ઈન્કમ ટેક્સ રિટર્નમાં તમે ડિસ્ક્લોઝ કર્યું છે? અને હા, તો તેની કોપી રજૂ કરવી જોઈએ